સુરત: શહેરના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે વારલી ચિત્રો તથા શિલ્પ કલાનું ત્રિ-દિવસીય પ્રદર્શન યોજાયું હતું. રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રવિવારે છેલ્લો દિવસ હતો. ગાંધીનગરના પ્રખ્યાત વારલી ચિત્રકાર અને શિલ્પકાર બીના પટેલના ૬૯ જેટલા ચિત્રો, શિલ્પ કલાકૃત્તિઓ પ્રદર્શનમાં હતી. ત્રણ દિવસમાં ઘણા લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સુરતના ઉદ્યોગપતીઓએ પણ અહીં મુલાકાત લીધી અને ચિત્રની ખરીદી પણ કરી. વલ્લભભાઈ લાખાણી, ગોવિંદભાઈ ધોળકિયા, અનુભાઈ તેજાણી, લાલજી પટેલ વગેરે ઉદ્યોગપતિ વારલી કળાના પેઈન્ટિંગ પોતાના ઘર તથા ઓફિસ માટે લઇ ગયા. ગાંધીનગર નિવાસી વારલી ચિત્રકાર બીના પટેલે ચિત્રલેખા.કોમને જણાવ્યું, “દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના સહ્યાદ્રી પ્રદેશમાં આશરે દસમી સદીમાં શરૂ થયેલી આ ચિત્રકલામાં વારલી આદિજાતિના જીવનના વિવિધ પાસાઓ ચિત્રિત થયેલા જોવા મળે છે. ૧૨૨૦ વર્ષ જૂની આ કલા કાળક્રમે લુપ્ત થઈ રહી છે, ત્યારે છેલ્લા ૩૦ વર્ષથી ચિત્રો અને શિલ્પોના માધ્યમથી વારલી ચિત્રકલાને જીવંત રાખવા પ્રયત્નશીલ છું. આપણી આ પ્રાચીન કલાને પુનર્જીવિત કરી આપણી સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ-સંવર્ધનનો પ્રયાસ કરવાનો સંતોષ છે. કલારસિકો આપણી પ્રાચીન અને ગૌરવભરી કલાને જાણી-માણી શકે એ માટે આજ સુધી ૨૨ પ્રદર્શન યોજ્યા છે.” આ કલા વિશે બીનાબહેન વધુમાં જણાવે છે, “વારલી ચિત્રોમાં મુખ્યત્વે ત્રિકોણ, વર્તુળ, ચોરસ જેવાં ભૌમિતિક આકારોનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી આદિજાતિઓની જેમ વારલીઓ પણ નૃત્યના શોખીન હોય છે. આથી નૃત્ય ચિત્રનો મુખ્ય વિષય રહ્યો છે. ઉપરાંત, ઝુંપડાં, રોજિંદું કામ કરતી સ્ત્રીઓ, ચરતાં પશુ-પક્ષીઓ, સાપ, વાંદરા, ગાય-બળદોને ચિત્રોમાં જીવંત કરવામાં આવે છે. દેવ-દેવીઓ અન્ય આદિજાતિઓની જેમ વારલીઓના જીવનમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. વારલી ચિત્રોમાં આદિજાતિના જીવનના વિવિધ પાસાઓ ચિત્રિત થયેલા જોવા મળે છે.” વારલી ચિત્રકલામાં તહેવારો, જન્મ, સગાઈ, લગ્ન, પાકની લણણી, ખેતરો, પહાડો, ઝરણા, વન્ય પ્રાણીઓ આદિ તેના મુખ્ય વિષયો છે. વારલી મહિલાઓ લીપેલી દીવાલો પર પલાળેલા ચોખાને પથ્થર પર લસોટીને સફેદ રંગથી આ ચિત્રો બનાવતી. ઉપરાંત, સિંદૂર, ગુલાલ, કંકુ, મધ, વિગેરેનો પણ ચિત્રો બનાવવામાં ઉપયોગ થતો. પાલગુટ દેવી ફળદ્રુપતાની દેવી મનાય છે અને વારલી લગ્નમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ચિત્રોમાં તેનું મહત્વનું સ્થાન હોય છે.
(અરવિંદ ગોંડલિયા – સુરત)