લવ જેહાદ છોડો અથવા રામ નામ સત્ય માટે તૈયાર રહો… આ શબ્દો હતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના. રાજ્યના વડા તેમની ચેતવણીને વાસ્તવિકતામાં ફેરવી રહ્યા છે. સોમવારે યુપી એસેમ્બલીમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તન નિષેધ (સુધારો) બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જે મંગળવારે પસાર થયું હતું. યોગી સરકારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં લવ જેહાદને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. લવ જેહાદ રોકવા માટે 2020માં યુપી પ્રોહિબિશન ઓફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન ઓર્ડિનન્સ પસાર કરવામાં આવ્યો હતો. 2021 માં, તેને વિધાનસભામાં પસાર કરીને ઔપચારિક રીતે કાનૂની દરજ્જો આપવામાં આવ્યો હતો. તે સમયે, આ કાયદા હેઠળ મહત્તમ 10 વર્ષની સજા અને 50,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી. નવા બિલમાં ગુનાનો વ્યાપ અને સજા બંને વધારવાનો પ્રસ્તાવ છે.
સુધારેલા કાયદામાં છેતરપિંડી અથવા બળજબરીથી ધર્મ પરિવર્તનના કેસોમાં કાયદો પહેલા કરતા વધુ કડક બનાવવામાં આવ્યો છે અને વધુમાં વધુ આજીવન કેદ અથવા 5 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સુધારેલા વિધેયકમાં મહિલાને છેતરપિંડી કરીને ધર્મ પરિવર્તનની લાલચ આપી તેની સાથે ગેરકાયદેસર રીતે લગ્ન કરવા અને તેને હેરાન કરવાના દોષિતોને વધુમાં વધુ આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ મહત્તમ 10 વર્ષની સજાની જોગવાઈ હતી.
