કોણ હતા બિહારના શારદા સિન્હા? જેના રાજકિય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

મુંબઈ: પ્રખ્યાત લોકગાયક પદ્મશ્રી અને પદ્મ ભૂષણ શારદા સિંહાનું છઠ તહેવારના પહેલા દિવસે નિધન થયું. તેમણે દિલ્હી AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. આજે શારદા સિન્હાના પાર્થિવ દેહને દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. અહીંથી તેમના પાર્થિવ દેહને બિહાર લઈ જવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે ગુરૂવારે પટનામાં રાજકિય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

લોક ગાયિકા શારદા સિંહા કેન્સરથી પીડિત હતા અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે ઓક્સિજન સિસ્ટમ પર હતા. તે 2017 થી ‘મલ્ટીપલ માયલોમા’ થી પીડિત હતા. આ એક પ્રકારનું બોન મેરો કેન્સર છે. બગડતી તબિયતને કારણે તેમને દિલ્હીની AIIMSમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. શારદા સિન્હાની સારવાર એક અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહી હતી.

શારદા સિંહા બિહારના પ્રખ્યાત લોક ગાયિકા હતા. તેઓ મૈથિલી અને ભોજપુરી સંગીતમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. તેણીને ઘણીવાર પ્રદેશની સાંસ્કૃતિક રાજદૂત કહેવામાં આવતી હતી. છઠ પૂજા દરમિયાન તેમની પ્રસ્તુતિઓ ખૂબ પ્રખ્યાત હતી. મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામની બિહારની મુલાકાત દરમિયાન પણ તેમણે પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું.

શારદા સિન્હા ભલે આ દુનિયામાં નથી, પરંતુ તેમના દ્વારા ગાયેલા લોકગીતો અને ફિલ્મી ગીતો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. શારદા સિન્હાએ માત્ર ભોજપુરી ગીતો જ ગાયા નથી. બોલિવૂડમાં પણ તેણે ઘણા ગીતોને પોતાના અવાજ આપ્યો છે.બહુ ઓછા લોકો જાણતા હશે કે બોલિવૂડમાં શારદા સિન્હા અને સુપરસ્ટાર સલમાન ખાનની કારકિર્દી લગભગ એક સાથે શરૂ થઈ હતી. સલમાન ખાને ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી લીડ એક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. શારદા સિન્હાને હિન્દી ફિલ્મોમાં પહેલો બ્રેક આ ફિલ્મના ગીત ‘કહે તો સે સજના’થી મળ્યો હતો. તેમનું આ ગીત આટલા વર્ષો પછી પણ લોકોના મનમાં છે.

શારદા સિંહા ભારતમાં લોક ગાયિકા તરીકે ઓળખાય છે. ગાયકે મૈથિલી, ભોજપુરી અને મગહી ભાષાઓમાં અસંખ્ય ગીતો ગાયા છે. શારદા સિન્હાને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. શારદા સિન્હાના પતિ બ્રજ કિશોર સિન્હાનું તાજેતરમાં નિધન થયું હતું.