લદ્દાખ ફરવા માટે પ્રવાસીઓને મળશે 20,000 રૂપિયા

બિહારના સ્થાનિક રહીશો માટે પ્રવાસન અને ધાર્મિક યાત્રાને લઈને એક ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં પ્રવાસન વિભાગના એક શાનદાર પ્રસ્તાવને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. બિહાર સરકારે રાજ્યના નાગરિકોને દેશની સાંસ્કૃતિક એકતા સાથે જોડવા અને લદ્દાખની સેર કરાવવા માટે ‘સિંધુ દર્શન તીર્થયાત્રા નાણાકીય સહાય અનુદાન યોજના- 2026’ ને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ લદ્દાખ સ્થિત પવિત્ર સિંધુ નદીની યાત્રા પૂર્ણ કરનારા બિહારના સ્થાનિક રહીશોને સરકાર તરફથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.

જાણો કેવી રીતે મળશે 20,000 રૂપિયાનું અનુદાન અને શું છે શરતો?

કેબિનેટ બેઠક બાદ વિભાગ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, લદ્દાખ જેવા રમણીય અને ધાર્મિક સ્થળની મુલાકાત લેનારા લોકોને આ આર્થિક અનુદાન (સબસિડી) આપવામાં આવશે. સરકારે નક્કી કરેલા નિયમો મુજબ, યાત્રા પાછળ થયેલા કુલ ખર્ચના 50 ટકા રકમ અથવા પ્રતિ તીર્થયાત્રી મહત્તમ 20,000 રૂપિયા—બેમાંથી જે પણ રકમ ઓછી હશે, તે સબસિડી તરીકે સીધી પ્રવાસીને ચૂકવવામાં આવશે.

જો કે, આ યોજનાનો લાભ લેવા માટે સરકારે કેટલીક મહત્વની પાત્રતા અને શરતો પણ જાહેર કરી છે:

આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ફરજિયાતપણે બિહારનો સ્થાનિક નાગરિક હોવો જોઈએ.

યાત્રિકની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી અનિવાર્ય છે, એટલે કે બાળકો કે કિશોરોને આ યોજનાનો લાભ મળશે નહીં.

એક વર્ષમાં વધુમાં વધુ 100 તીર્થયાત્રીઓને જ લોટરી કે નિયત પ્રક્રિયા હેઠળ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
પર્યટન વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ આ યોજના હેઠળ અરજી કરવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. સરકારનું માનવું છે કે, આ યોજનાથી આર્થિક તંગીના કારણે લદ્દાખ જવા વંચિત રહી જતા મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળશે.

બિહારમાં હેલી ટુરિઝમ અને એર ટુરિઝમનો ધમાકો

સિંધુ દર્શન યોજના ઉપરાંત સમ્રાટ કેબિનેટે બિહારમાં દેશ-વિદેશના પર્યટકોને આકર્ષવા માટે ‘હેલી ટુરિઝમ’ (Heli Tourism) અને ‘એર ટુરિઝમ’ યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. હવે બિહારના પ્રખ્યાત પર્યટન સ્થળોને આકાશ માર્ગે હેલિકોપ્ટર સેવા સાથે જોડવામાં આવશે. શરૂઆતના તબક્કે રાજધાની પટનાથી રાજગીર, પટનાથી કૈમૂર અને પટનાથી વાલ્મિકીનગર વચ્ચે ખાસ હેલિકોપ્ટર સેવાઓ સંચાલિત કરવામાં આવશે.

સરકારે આ સવારી માટે પ્રતિ પ્રવાસી આકર્ષક ભાડું પણ નક્કી કરી દીધું છે, જે નીચે મુજબ છે:

પટનાથી વાલ્મિકીનગર: પ્રતિ યાત્રી 5000 રૂપિયા ભાડું રહેશે.

પટનાથી કૈમૂર: પ્રતિ યાત્રી 6000 રૂપિયા ભાડું રહેશે.

પટનાથી રાજગીર: પ્રતિ યાત્રી 4000 રૂપિયા ભાડું રહેશે.

માત્ર 2100 રૂપિયામાં પટનાની ‘જોય રાઈડ’

સામાન્ય જનતા અને સ્થાનિક લોકો આકાશમાંથી પટના શહેરની સુંદરતા નિહાળી શકે તે માટે સરકારે પટનામાં હેલિકોપ્ટરની ખાસ ‘જોય રાઈડ’ (Joy Ride) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પ્રવાસીઓ માત્ર 2100 રૂપિયાની ટિકિટ ખરીદીને 10 મિનિટ સુધી આકાશમાં હેલિકોપ્ટર સવારીનો રોમાંચક આનંદ માણી શકશે. બિહાર સરકારના આ ક્રાંતિકારી નિર્ણયોથી આગામી દિવસોમાં રાજ્યના પર્યટન ઉદ્યોગને એક નવી પાંખો મળશે તે ચોક્કસ છે.