સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે મેદાન છોડ્યું

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે આજે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે સાબરકાંઠા બેઠક પર જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને ઉમેદવારી નહીં કરવાની જાહેરાત કરી છે. બંને બેઠકો પર ઉમેદવાર ખસી જતાં ભાજપે હવે નવા ઉમેદવારોની શોધ કરવી પડશે. ભાજપના આંતરિક સુત્રો કહે છે કે, હજુ પણ એક કે બે સીટ પર ફેરફાર થાય તેવી શક્યતાઓ છે.

કોંગ્રેસમાં પણ ભરત સોલંકી, જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર સહિતના દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાનમાંથી ખસી ગયાં છે. અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયેલા રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનું બહાનું આગળ ધરીને મેદાન છોડી દીધું હતું અને ત્યાર બાદ તેમણે પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના અસંખ્ય દિગ્ગજોએ કેસરિયા કરી લીધા છે. ત્યારે ભાજપમાં હવે ઉકળતો લાવા જોવા મળી રહ્યો છે. વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટ મેદાનમાં ઉતર્યા હતા. જો કે, સતત ત્રીજી વાર રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતાં ભાજપમાં આંતરિક ડખા વધ્યા હતા. ઉમેદવાર તરીકે તેમનું નામ આવતા પાર્ટીના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ પણ તેમના ઉમેદવારી પર વાંધો ઉઠાવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું હતું.