ભાવનગરના આ યુવાનને મળી પ્રતિષ્ઠિત ફેલોશીપ!

ભાવનગર: શહેરના એક યુવાનને આરોગ્ય સંશોધન માટે 1.90 કરોડની ઇન્ટરનેશનલ ફેલોશિપ મળી છે. જે એક ગુજરાતી માટે ગર્વની વાત છે. ચિત્રલેખા.કોમે જ્યારે આ યુવા ડૉ. મોહિત મહેતા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, “સોશિયલ મીડિયા પર સમય વેડફ્યા કરતા મને આ પ્રકારના રિસર્ચ વર્કમાં વધારે રસ હોવાથી હું તે તરફ વળ્યો છું.”

મોહિતને વર્ષ 2023ની વિશ્વવિખ્યાત મેરી સ્ક્લોડોવસ્કા ક્યુરી ફેલોશિપ મળી છે. યુરોપિયન કમિશન બેલ્જિયમ દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયમાં સંશોધન કરવા માટે આ પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ આપવામાં આવે છે. તેમના સંશોધનનો મુખ્ય હેતુ કોઈપણ વ્યક્તિને ઈજા થાય તો ઘામાંથી વહેતા લોહીને તાત્કાલિક બંધ કરવા માટેના બાયો કેમ્પેટિબલ મટિરિયલ તૈયાર કરવાનો છે. ડૉ. મોહિત મહેતાનો ટૂંકો પરિચય આપીએ તો ભાવનગરની સર પી. પી. ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાંથી B.Sc., ભાવનગર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી M.Sc. અને ત્યારબાદ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(CSMCRI)માંથી Ph.D.ની ડિગ્રી મેળવી છે. Ph.D. પછી શું કરી શકાય તેના માટે મોહિતે સર્ચ શરૂ કરી. તો તેમને આ પ્રકારની રિસર્ચ ફેલોશિપ અંગે વધુ માહિતી મળી અને તેમાં એપ્લાય કરવા લાગ્યા.ડૉ. મોહિત આગામી મે મહિનામાં યુરોપના ફિનલેન્ડમાં પ્રખ્યાત એવી તામ્પરે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેડિસિન એન્ડ હેલ્થ ટેકનોલોજી શાખામાં જોડાઈને સંશોધન કાર્ય શરૂ કરશે. તેઓને માઇક્રો ફ્લૂઈડિક્સ બેઇઝ્ડ ટિસ્યુ એન્જિનિયરિંગ મટિરિયલના નિર્માણ સંશોધન માટે આ ફેલોશિપ મળી છે. તેમના સંશોધનનો હેતુ સામાન્ય ગરીબ માણસોને સસ્તા ભાવે તાત્કાલિક લોહી વહી રહેલો ઘા ભરવા માટેનું મટિરિયલ તૈયાર કરવાનો છે ભારતીય નાણા પ્રમાણે તેમને 1.90 કરોડ રૂપિયાની ફેલોશિપ બે વર્ષના સમયગાળા માટે આપવામાં આવી છે.ડૉ. મોહિત મહેતાએ આ પહેલાં પણ સાઉથ કોરિયાની ઇન્હા યુનિવર્સિટી અને વિખ્યાત કોરિયા યુનિવર્સિટીની બે પોસ્ટ લોક પ્રાપ્ત કરી ચૂક્યા છે. જો કે તે ફેલોશિપમાં તેમની સાથે એક કોરિયન પ્રોફેસર જોડાયેલા હતા. જ્યારે ફિનલેન્ડની ફેલોશીપમાં તેઓ એકલાં જ છે. કોરિયામાં તેમણે mRNA વેક્સિનેશન ડિલિવરીમાં સંશોધન કર્યું હતું. સંપૂર્ણપણે ગુજરાતી માતૃભાષામાં ભણેલા ડો. મોહિત મહેતાએ વિશ્વકક્ષાએ શ્રેષ્ઠ સંશોધન ક્ષેત્રે પોતાનું નામ કાઢ્યું છે. જો કે તેમના પરિવારમાં દરેક વ્યક્તિ એટલી ભણેલી છે કે દરેકે કોઈના કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. તેમના પિતા પ્રો. જે. જે. મહેતા ભાવનગરની એમ. જે. કોલેજ ઓફ કોમર્સમાં અધ્યાપક તથા મોટા બહેન ડો. હેતલ મહેતા સ્વામી સહજાનંદ કોલેજમાં આચાર્ય તથા તેમના પત્ની ડો. શંકા પણ તેમની સાથે સાઉથ કોરિયામાં નેનો ટેકનોલોજીમાં વિશ્વ કક્ષાની ફેલોશીપ મેળવી ચૂક્યા છે. તેઓ પણ ડૉ. મોહિત સાથે ફિનલેન્ડ જઈને આગળ અભ્યાસ કરવાના છે.