બેંગલુરુની એક મહિલાએ દાવો કર્યો છે કે, તેણી જેની ચેટથી પ્રભાવિત થઈ હતી. તે મિત્રે તેની સાથેની વાતચીત માટે AIનો ઉપયોગ કર્યો હતો. ‘વાસ્તવિકતામાં તે વ્યક્તિ સુસ્ત અને નિરસ હતી.’ તેને વ્યક્તિગત રીતે મળતાં તેનો ઉત્સાહ સાવ ઓસરી ગયો. જ્યારે તેને સમજાયું કે, ‘તે ભાગ્યે જ યોગ્ય વાક્ય બોલી શકે છે.’
કહેવાની જરૂર નથી કે, આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં જીવી રહ્યા છીએ. આપણે તાજેતરના મહિનાઓમાં જ જોયું કે, AI ની શક્યતાઓ અમર્યાદિત છે. હજુ તો જેની શોધ શરૂ જ થઈ છે. ત્યાં વિશ્વભરના લોકો પોતાના વિવિધ કાર્યો સંપન્ન કરવા માટે આ શક્તિશાળી ટેક્લનોલોજીનો ઉપયોગ કરવા માંડ્યા છે. એનો તાજો જ દાખલો કે, બેંગલુરુની મહિલાએ દાવો કર્યો છે કે, તેણીએ જે પુરુષ મિત્ર સાથે ચેટીંગ કરી હતી, તેણે તેની વાતચીત દરમિયાન AI નો ઉપયોગ કર્યો હતો!
Reddit.com પરની એક પોસ્ટમાં @hustlegurrl નામની મહિલાએ લખ્યું કે, ‘તેણીની જેની સાથે ચેટીંગ થઈ રહી હતી. ખરેખર, તે ચેટીંગ બહુ જ રમુજી અને મનોરંજક હતી! પરંતુ વાસ્તવિક્તામાં તે વ્યક્તિને મળતાં જ તેનો ઉત્સાહ સાવ ઓસરી ગયો. વ્યક્તિગત રીતે તેને મળતાં જણાયું કે, ‘ભાગ્યે જ તે કોઈ વાક્ય યોગ્ય રીતે બોલી શકે છે.’
‘હું અમારી ડેટ માટે બહુ આતુરતાથી રાહ જોઈ રહી હતી. પરંતુ તેને મળ્યા બાદ વસ્તુસ્થિતિ ઘણી અલગ લાગવા માંડી. તે ભાગ્યે જ એકાદું વાક્ય સરખું બોલી શકતો હતો. એવું ય નહોતું કે, તે શરમાળ કે અનાડી હતો. તેનાથી વિપરીત તે અત્યંત આત્મવિશ્વાસુ અને બહિર્મુખી હતો. પરંતુ તેની ચેટીંગવાળી ભાષા અને બૌદ્ધિકતા ક્યાંક અદ્રશ્યમાન હતા. આ બધું એટલું વિલક્ષણ હતું કે, હું બે ડગલા પાછળ ખસી ગઈ.’ તેણીએ લખ્યું.
‘અમે મળ્યાં અને સામાન્ય રીતે બેંગ્લોર અને AI માં સ્ટાર્ટઅપ્સ વિશે વાતો કરવાનું શરૂ કર્યું. તેણે AI અને તેને લગતાં સાધનો વિશે ઉંડાણમાં વાતો કરી. વાતચીત દરમિયાન તે કઈ રીતે ચેટીંગમાં પણ AIનો ઉપયોગ કરે છે તે કહીને ભૂલથી સ્વીકારી લીધું કે, તેમની ચેટીંગ માટે સુદ્ધાં તે AIનો ઉપયોગ કરે છે. પણ તરત જ વાતને વાળી દીધી. ત્યારે જ મને સમજાયું કે, તે યુવક મને પ્રભાવિત કરવા માટે AIનો ઉપયોગ કરતો હતો. જ્યારે વાસ્તવિકતામાં તે સાવ સુસ્ત અને નિરસ હતો. આ વ્યક્તિ પાછળ આટલો સમય પસાર કરવા બદ્દલ હું બહુ જ હતાશા અનુભવી રહી હતી. શું બેંગ્લોરમાં દરેક જણ AI ટુલ્સ પર જ નિર્ભર છે? શું બીજા કોઈને પણ મારા જેવો અનુભવ થયો હશે?’
તેણીની આ પોસ્ટ વાયરલ થયા બાદ લોકોના પ્રતિભાવોમાં એક જણે સલાહ આપી કે, ‘આવી પરિસ્થિતિથી બચવા માટે ડેટ પહેલાં વોઈસ કોલ કરીને વાતચીત કરી લેવી સારી.’
અન્ય એકે પણ કંઈક આવી સલાહ આપતાં કહ્યું કે, ‘જો તમારી વચ્ચે સારી ચેટીંગ ચાલી રહી છે. તો દૈનિક સંદેશ વ્યવહાર ચાલુ રાખવાને બદલે તમે વોઈસ કોલ અથવા વિડિયો કોલ સ્વીચ કરીને વ્યક્તિને જાણી શકો છો.
બીજાએ કહ્યું, ‘વિનોદી અને આકર્ષક વ્યક્તિત્વ મોટે ભાગે AI-જનરેટેડ હતું. તે જાણવું નિરાશાજનક હતું.’
ત્રીજાએ કહ્યું, ‘આ બહુ જ વિચિત્ર છે. આ બધું કંઈ ઠીક નથી લાગતું. તે વ્યક્તિ વાસ્તવિક માનવીને બદલે AIના જ કોઈ કેરેક્ટર સાથે સમય વિતાવી શક્યો હોત!’