સૌરાષ્ટ્રના ધર્મસ્થાનકો હરિહરના સાદ અને રામરોટી માટે પણ ખાસ જાણીતા છે. વિરપુર જલારામબાપા મંદિર તરફથી અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન રામલલાને કાયમને માટે થાળ ધરાવવાની જાહેરાત થઇ છે તો બગદાણા ગુરૂઆશ્રમ દ્વારા સોમવાર તા.29મી જાન્યુઆરીથી અયોધ્યામાં બાપા સિતારામ અન્નક્ષેત્રનો પ્રારંભ થશે જ્યાં સવાર, બપોર અને સાંજ ત્રણેય ટાઇમ ભાવિકોને વિનામૂલ્યે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારની ખાસ મંજુરી દ્વારા આ અન્નક્ષેત્ર શરૂ થઇ રહ્યું છે જે 60 દિવસ માટે ધમધમતું રહેશે.
બગદાણાની જેમ જ ચાનો પ્રસાદ આખો દિવસ
દેશભરમાંથી ભાવિકોનો પ્રવાહ હવે અવધ નગરીમાં ઉમટી રહ્યો છે ત્યારે ભગવાન રામના દર્શનાર્થે આવી રહેલા ભાવિક ભક્તોની સેવામાં બગદાણા ગુરૂઆશ્રમ દ્વારા આ અન્નક્ષેત્રમાં સવારે ચા અને પૌવા, બપોરે 11 થી 4 ભોજન- મહાપ્રસાદ તેમજ સાંજે 7 થી 10માં પણ ભોજન- મહાપ્રસાદ પીરસાશે. આ ઉપરાંત બગદાણાની જેમ જ ચાનો પ્રસાદ આખો દિવસ વિતરીત થશે.
વિશાળ જગ્યામાં આ બાપા સિતારામ અન્નક્ષેત્ર તૈયાર કરાયું
અયોધ્યામાં એક નવા જ વિકસાવેલા વિસ્તાર કે જેને નવી અયોધ્યા ગણવામાં આવે છે ત્યાં હાઇવે પર વિશાળ જગ્યામાં આ બાપા સિતારામ અન્નક્ષેત્ર તૈયાર કરાયું છે. ઉત્તરપ્રદેશ સરકારની ખાસ મંજૂરી આ માટે આપવામાં આવી છે.
29 મીએ પૂ.બજરંગદાસબાપાની પૂણ્યતિથી છે આ દિવસથી જ અયોધ્યામાં બાપા સિતારામ અન્નક્ષેત્રનો પ્રારંભ કરાશે. અને 60 દિવસ સુધી આ અન્નક્ષેત્ર ધમધમતું રહેશે. પૂ.બાપાના ભક્તોનો પડાવ હાલ અયોધ્યામાં છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ક્ષેત્રમાં અન્ય ધર્મસ્થાનકોના 6 જેટલા અન્નક્ષેત્ર લગભગ 1 ફેબ્રુઆરી સુધીમાં ધમધમતા થઇ જશે. બગદાણા ગુરૂઆશ્રમ સંચાલિત બાપા સિતારામ અન્નક્ષેત્રમાં 50 રસોયા, 25 સહાયકો તેમજ 150 સ્વયંસેવકો સેવામાં રહેશે.