નવી દિલ્હીઃ દૂરસંચાર વિભાગે લોકોને વોટ્સએપ, ટેલિગ્રામ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપથી ફોટા, વિડિયો વગેરે ડાઉનલોડ ન કરવા સૂચના આપી છે. હેકર્સ હાલના દિવસોમાં ફોટા અને વિડિયો મારફતે યુઝર્સના ફોનમાં ખતરનાક મેલવેર એટલે કે વાયરસ મોકલે છે, જે તેમના બેંક એકાઉન્ટની માહિતી ચોરી શકે છે. આ પ્રકારના કૌભાંડથી બચવા માટે ટેલિકોમ વિભાગે કેટલાંક પગલાં સૂચવ્યાં છે.
આજના સમયમાં સ્માર્ટફોન લોકોની જરૂરિયાત બની ગયો છે. લોકો પોતાનો ફોન માત્ર કોલિંગ માટે નહીં પરંતુ UPI ટ્રાન્ઝેક્શન, બેંકિંગ વગેરે માટે પણ વાપરે છે. આવી સ્થિતિમાં જો ફોનનો એક્સેસ કોઈ બીજાને મળી જાય તો વ્યક્તિના બેંક એકાઉન્ટ સુધી પહોંચી શકાય છે.
કૌભાંડકારીઓ હંમેશાં નિતનવી રીતો અપનાવીને લોકોને ફસાવવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારના કૌભાંડને Steganography કહેવામાં આવે છે.
કેવી રીતે થાય છે આ કૌભાંડ?
દૂરસંચાર વિભાગે તેના અધિકૃત X હેન્ડલ (પૂર્વે Twitter) પરથી માહિતી આપતાં કહ્યું કે કૌભાંડી તમને કોઈ આમંત્રણ કે ઓફર વગેરેના બહાને વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક મેસેન્જર, કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પરથી ફોટા કે વિડિયો મોકલે છે.
યુઝર્સ આ ઓફર કે આમંત્રણ જોઈને ફોટા કે વિડિયો ડાઉનલોડ કરી લે છે. એવું કરતાં જ કૌભાંડ યુઝર્સના ફોનમાં ખતરનાક વાયરસ ઇન્જેક્ટ કરે છે અને તેમના ફોનનો એક્સેસ મેળવી લે છે.
ઘણી વખત યુઝર્સને ખબર પણ ન હોય અને વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ જેવી એપથી ફોટા કે વિડિયો આપમેળે ડાઉનલોડ થઈ જાય છે. આવા યુઝર્સે એપ્સની સેટિંગ્સમાં જઈને ફોટા અને વિડિયો ઓટો-ડાઉનલોડ થતો વિકલ્પ બંધ કરી દેવો જોઈએ.
Steganographyથી કેવી રીતે બચવું?
દૂરસંચાર વિભાગે લોકોને કોઈ અજાણ્યા નંબર પરથી આવતા ફોટા, ઓડિયો કે વિડિયો ડાઉનલોડ ન કરવા સલાહ આપી છે. કૌભાંડકાર આવી મિડિયા ફાઇલ્સ સાથે એક લિંક પણ મોકલે છે, જેને યૂઝર્સ અજાણતાં ઓપન કરી લે છે. આ લિંક ખોલતાં જ યુઝર્સના ફોનનો એક્સેસ હેકર્સ સુધી પહોંચી જાય છે.
