બદલાપુરના આરોપી અક્ષય શિંદેનું એન્કાઉન્ટરમાં મોત

મહારાષ્ટ્રના બદલાપુર યૌન શોષણ કેસના મુખ્ય આરોપી અક્ષય શિંદેનું સોમવારે એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું છે. SIT ટીમના બે પોલીસકર્મી PSI નિલેશ મોરે અને સંજય શિંદે પણ ઘાયલ થયા છે. ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપી શિંદેએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. શિંદેને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવી રહ્યો હતો જ્યારે તેણે ગોળીબાર કર્યો અને જવાબી પોલીસ ગોળીબારમાં તે ઘાયલ થયો અને બાદમાં તેનું મૃત્યુ થયું.

પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો

અક્ષય શિંદેને અન્ય એક કેસમાં ધરપકડ કર્યા બાદ તલોજા જેલમાંથી લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે કારમાં બેઠેલા પોલીસકર્મીની બંદૂક છીનવી લીધી હતી અને પોલીસકર્મી પર ગોળીબાર કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે પોતાની બંદૂક કાઢી અને અક્ષય શિંદે પર ગોળીબાર કર્યો.

બે સગીર યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું

12 અને 13 ઓગસ્ટે મુંબઈના બદલાપુરમાં એક સ્કૂલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા અક્ષય શિંદે પર બે સગીર છોકરીઓની યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો હતો. પીડિતાએ આ અંગે તેના માતા-પિતાને જણાવ્યું. ત્યારે જ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બાબતે ભારે હોબાળો થયો હતો. પ્રદર્શનકારીઓએ લગભગ 10 કલાક સુધી રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો.