ગુજરાત ATSએ આતંકી મોડ્યુલના માસ્ટરમાઇન્ડની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા આતંકી મોડ્યુલના મુખ્ય ષડ્યંત્રકર્તાની ધરપકડ કરી છે. શમા પરવીન નામની આ મહિલા શખસની ધરપકડ બેંગલુરુથી કરવામાં આવી છે. આ પહેલાં ATSએ પકડી પાડેલા ચાર અલકાયદા આતંકીઓ પાસેથી મળેલાં સૂત્રોને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ATS અલકાયદા ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટના ચાર આતંકીઓને પકડી પાડ્યા છે. મંગળવારે એક વધુ મોટી સફળતા મળી છે. બેંગલુરુની રહેવાસી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જે અત્યંત રેડિકલાઈઝ્ડ છે. આ મહિલા ખાસ કરીને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર કામ કરતી હતી. તેના પાસેથી અનેક ડિવાઈસ મળ્યાં છે અને તે પાકિસ્તાન સાથેના મહત્વપૂર્ણ કનેકશન્સ ધરાવે છે.

ATSએ વધુ જણાવ્યું હતું કે પોલિસિંગને આધારે અત્યાર સુધીમાં ઓનલાઈન ટેરર મોડ્યુલ પર કાર્યરત પાંચ મહત્વપૂર્ણ અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના આતંકીઓને પકડી પાડવામાં સફળતા મળી છે.

એટીએસે અગાઉ પકડ્યા હતા 4 આતંકી

ગુજરાત ATSએ આ પહેલાં અલકાયદાના AQIS (Al-Qaeda in Indian Subcontinent) મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં ચાર શંકાસ્પદ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી બે, દિલ્હી અને નોઈડામાંથી એક-એક આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા તમામ આતંકીઓની ઉંમર 20થી 25 વર્ષ વચ્ચેની છે.

આ આતંકીઓને ભારતમાં મોટા ટાર્ગેટ અને મહત્વપૂર્ણ સ્થળોએ હુમલો કરવાની જવાબદારી આપવામાં આવતી હતી. તપાસમાં ખૂલ્યું છે કે આ ચારેય આતંકીઓ સોશિયલ મિડિયા એપ્લિકેશનોના માધ્યમથી એકબીજાથી જોડાયેલા હતા અને તેમનાં સીમાપાર કનેક્શન્સ પણ પૃષ્ઠભૂમિમાં જોવા મળ્યાં છે.

ATSનું નિવેદન

વર્ષ 2023માં પણ આ આતંકી સંગઠન સાથે જોડાયેલા આરોપોમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.