ગઈ કાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. એશિયા કપ 2023ની આ હાઈવોલ્ટેજ મેચની મજા વરસાદને કારણે બગડી ગઈ હતી. હવે આ મેચ બાદ મોટા સમાચાર આવી રહ્યા છે. એશિયા કપની મેચો શિફ્ટ થઈ શકે છે. તેની પાછળનું કારણ કોલંબોમાં ભારે વરસાદ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોલંબોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે અને તેને જોતા એશિયન ક્રિકેટ કાઉન્સિલ સુપર 4 મેચો શિફ્ટ કરવા પર વિચાર કરી રહી છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર કોલંબોમાં યોજાનારી મેચ પલ્લેકેલે અથવા દામ્બુલામાં યોજાઈ શકે છે. એશિયા કપ હાઈબ્રિડ મોડલ પર રમાઈ રહ્યો છે. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન પાકિસ્તાનમાં થયું હતું, જ્યારે તેની સુપર 4 મેચો આવતા સપ્તાહે શ્રીલંકામાં રમાશે. એશિયા કપનું યજમાન પાકિસ્તાન પણ શ્રીલંકામાં રમી રહ્યું છે. હકીકતમાં ભારતે પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જે બાદ શ્રીલંકાને બીજા સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
દામ્બુલાની સલાહ
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે દાંબુલામાં મેચ કરાવવાની સલાહ આપી હતી, કારણ કે તે શુષ્ક પ્રદેશ છે. ત્યાં વરસાદની શક્યતા ઓછી છે. જો કે, બ્રોડકાસ્ટર્સ અને ટીમો દાંબુલાની મુસાફરી કરવા માંગતા ન હતા. આ સ્થિતિમાં પલ્લેકેલે અને કોલંબોની પસંદગી કરવામાં આવી હતી. જો કે, શ્રીલંકામાં આ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ બંને સ્થળોએ છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.
આગામી 2 દિવસમાં નિર્ણય
પહેલા એવી ધારણા હતી કે કોલંબોને લઈને પરિસ્થિતિ બદલાઈ શકે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં કોલંબોના હવામાનને ધ્યાનમાં રાખીને, ACC એ મેચને શિફ્ટ કરવા અંગે વિચારવાનું શરૂ કર્યું છે. પ્રથમ મેચ 9મી સપ્ટેમ્બરે કોલંબોમાં રમાવાની છે અને ACC હવામાનને લઈને ચિંતિત છે. પાકિસ્તાનમાં હજુ 2 વધુ મેચ રમવાની છે અને ACC આગામી 2 દિવસમાં સ્થળ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.