મુખ્યમંત્રીના હસ્તે અનિલ નાયક ટેક્નિકલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન

નવસારી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 19મી ઓક્ટોબરના રોજ ગણદેવી તાલુકાના ખારેલ ગામે, એ.એમ. નાયક રૂરલ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ તથા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યું. સંબોધનમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનએ ભારતને સ્કિલ કેપિટલ – કૌશલ્ય હબ બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. આ દિશામાં દક્ષિણ ગુજરાતના યુવાનોને આગળ વધારવામાં આ સંસ્થા નિર્ણાયક ભૂમિકા ભજવશે. યુવા પેઢી ટેકનોલોજી અને અદ્યતન સુવિધાઓ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે ગુજરાતમાં સ્કીલ ડેવલેપમેન્ટ યુનિવર્સીટી કાર્યરત કરી છે. આ યુનિવર્સિટીમાં વોકેશનલ તાલીમ ઉપરાંત ડ્રોન, AI સહિત અધ્યતન ટેકનોલોજીના વિવિધ કોર્સનો સમાવેશ કરાયો છે.મુખ્યમંત્રીએ વ્યવસાયિક પ્રશિક્ષણ કેન્દ્ર અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર વિશે કહ્યું કે, આ પ્રશિક્ષણ કેન્દ્રએ શાળા છોડી દેનારા મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવ્યા છે. અનેક સમુદાયોના દિકરા-દિકરીઓના વિકાસમાં ભાગીદાર બનાવ્યા છે.નાયક ચેરિટેબલ ટ્રસ્ટ અને નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના ચેરમેન, પદ્મવિભૂષણ એ.એમ.નાયકે આ અવસરે કહ્યું કે, ગરીબોની સેવા કરી તેઓને વિકાસની ધારામાં લાવવા એ મારા દાદા અને પિતાનું સ્વપ્ન હતું. જેઓના સંસ્કારના કારણે આજે આ કાર્યોને હું આગળ વધાવી રહ્યો છું. આ ઇન્સ્ટિટ્યુટની સ્થાપનાથી વંચિત ગરીબોને રહેવાની વ્યવસ્થા સાથે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળે છે. અમારી તમામ ઇન્સ્ટિટ્યુટમાં ઉચ્ચ કોટિની સુવિધાઓ આપવામાં આવે છે. અમારી સાથે ૪૦ જેટલી સંસ્થાઓ જોડાયેલી છે.અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય શાળા પૂર્ણ ન કરનારા યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ સુવિધા પૂરી પાડે છે. અહીં 6,000થી વધુ શાળા છોડનારા વિદ્યાર્થીઓને તાલીમ આપીને, વિવિધ ઉદ્યોગોમાં રોજગાર મેળવવા માટે આવશ્યક કૌશલ્ય પૂરું પાડયું છે. અહીં આપવામાં આવતી તાલીમ સંપૂર્ણપણે મફત છે. જેથી નબળી આર્થિક પરિસ્થિતિ, વિદ્યાર્થીના શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં અવરોધ રૂપ ન બને. મફત કોર્સની સુવિધા સાથે આ સેન્ટર વિદ્યાર્થીઓ માટે વસવાટની સુવિધા પણ પૂરી પાડે છે અને મુસાફરીના ખર્ચને આવરી લેવા માટે ભથ્થાં પણ આપે છે. હાલમાં અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓની સંખ્યા 1500 પ્રતિ વર્ષ થઈ ગઈ છે.