વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ બે ટી20 મેચ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે. રસેલને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી20 શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. રસેલ આ શ્રેણીની પ્રથમ બે મેચ રમશે અને તેની 14 વર્ષની લાંબી કારકિર્દી પર પૂર્ણવિરામ મુકશે. રસેલે 6 જૂને ઇંગ્લેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝ માટે છેલ્લી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. રસેલે અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ એક ટેસ્ટ, 56 વનડે અને 84 ટી20 મેચ રમી છે. કેરેબિયન ઓલરાઉન્ડર એકલા હાથે ટીમને ઘણી મેચોમાં યાદગાર જીત અપાવી હતી.
રસેલ નિવૃત્તિ લેશે
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. ESPN ક્રિકઇન્ફો અનુસાર, રસેલ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણીમાં છેલ્લી વખત વેસ્ટ ઈન્ડિઝની જર્સીમાં રમતા જોવા મળશે. રસેલ જમૈકામાં રમાનારી પહેલી બે T20 મેચમાં રમશે. એટલે કે 22 જુલાઈએ કાંગારૂ ટીમ સામે રમાનારી બીજી T20 મેચ પણ રસેલના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ હશે. રસેલની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે.
આન્દ્રે રસેલની કારકિર્દી
આન્દ્રે રસેલે 2011 માં આયર્લેન્ડ સામે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી, તેણે કેરેબિયન ટીમ માટે કુલ એક ટેસ્ટ, 56 ODI અને 84 T20 મેચ રમી છે. આ સમય દરમિયાન, રસેલે T20 માં રમાયેલી 73 ઇનિંગ્સમાં 163 ના સ્ટ્રાઇક રેટથી 1078 રન બનાવ્યા છે. 50-ઓવર ફોર્મેટમાં રસેલના બેટમાંથી 1034 રન આવ્યા છે. બોલિંગમાં, કેરેબિયન ઓલરાઉન્ડરે ત્રણેય ફોર્મેટમાં 132 વિકેટ લીધી છે.
