અમૃતપાલ સિંહ નવો વીડિયોઃ કહ્યું – ‘ધરપકડથી ડરતો નથી પણ…’

ભાગેડુ અમૃતપાલ સિંહે પંજાબ પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે ગુરુવારે કહ્યું કે તે લોકોની વચ્ચે આવશે. હું ધરપકડથી ડરતો નથી, હું વિદેશ ભાગી જવાનો નથી, મેં મારા વાળ કપાવ્યા નથી. શ્રી અકાલ તખ્તના જથેદારો વાહીર (ધાર્મિક જાગૃતિ પ્રવાસ) કાઢે છે અને આ વાહીર અકાલ તખ્ત સાહિબ એટલે કે અમૃતસરથી શરૂ થાય છે અને બૈસાખીના દિવસે તખ્ત દમદમા સાહિબ તલવંડી સાબો ખાતે સમાપ્ત થાય છે.

અમૃતપાલ સિંહે વધુમાં કહ્યું કે, બૈસાખી પર ત્યાં સરબત ખાલસા બોલાવવો જોઈએ. હું ધરપકડ થવાથી ડરતો નથી, પરંતુ વિદ્રોહના માર્ગે આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પહેલા ગુરુવારે બપોરે અમૃતપાલની કથિત ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી. તેમાં, તેમણે એવી અટકળોને નકારી કાઢી હતી કે તેઓ તેમના શરણાગતિ માટે વાટાઘાટ કરી રહ્યા હતા અને ફરીથી અકાલ તખ્તને “સરબત ખાલસા” બોલાવવા કહ્યું હતું.

આ પહેલા પણ વિડિયો જાહેર કરવામાં આવ્યો હતો

આના એક દિવસ પહેલા ખાલિસ્તાન સમર્થક અમૃતપાલનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. આમાં તેમણે શીખોની સર્વોચ્ચ સંસ્થા જથેદારને સમુદાય સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક કોન્ફરન્સ બોલાવવા જણાવ્યું હતું. વિડિયો ક્લિપમાં પણ તેણે એવી દલીલ કરવાનો પ્રયાસ કર્યો હતો કે આ મુદ્દો માત્ર તેની ધરપકડનો નથી, પરંતુ શીખ સમુદાયની મોટી ચિંતાઓ પણ છે.

અમૃતપાલને પકડવા માટે શોધ ચાલુ છે

અમૃતપાલ સિંહને પકડવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. આ પહેલા પંજાબ પોલીસે હોશિયારપુર ગામ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસે ઘરે-ઘરે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. પંજાબ પોલીસે 18 માર્ચે વારિસ પંજાબ દે સંગઠનના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારથી અમૃતપાલ સિંહ ફરાર છે.