જો બાઈડન અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક રસપ્રદ વળાંક આવ્યો છે. અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઈડને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તે હવે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે તેવી વાત સામે આવી છે. આ વાતની પુષ્ટિ ખુદ વર્તમાન રાષ્ટ્રપતિએ કરી છે. તેમણે પત્ર લખીને આની જાહેરાત કરી છે. આ સાથે બાઈડન આવતા અઠવાડિયે રાષ્ટ્રને સંબોધન પણ કરશે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે શું બાઈડન રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે? આ પ્રશ્નને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે એવી પણ ચર્ચા હતી કે તેઓ સ્વાસ્થ્યના કારણોસર રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહીં અને રવિવારે આ અટકળોનો આખરે અંત આવ્યો જ્યારે બાઈડને પોતે આની જાહેરાત કરી.

બાઈડનના રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાની ચર્ચા થોડા દિવસો પહેલાથી શરૂ થઈ હતી, તે લાઈવ ડિબેટમાં ટ્રમ્પથી પાછળ જોવા મળ્યા હતા. ચૂંટણી પહેલા રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષોના ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન વચ્ચે પ્રથમ લાઇવ ડિબેટ યોજાઈ હતી. રાજકીય વર્તુળો, મીડિયા અને સામાન્ય લોકોમાં એવી અટકળો ચાલી રહી હતી કે બાઈડને આ રેસમાંથી ખસી જવું જોઈએ.