AMCએ 100 મીટરથી વધુ ઊંચાઈનાં 23 બિલ્ડિંગ્સને આપી મંજૂરી

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ 100 મીટરથી વધુ ઊંચાઈના 23 બિલ્ડિંગ્સને મંજૂરી આપી છે, જેમાં 18 રેસિડેન્શિયલ અને 5 કોમર્શિયલ પ્રોજેક્ટ છે. જ્યારે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)એ આવા છ હાઈ-રાઈઝને મંજૂરી આપી છે અને અન્ય પાંચ પ્રોજેક્ટ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.

શહેરનું એસજી હાઈવે તો હવે કોમર્શિયલ હબ બની ગયું છે, જેથી બિલ્ડર્સ પણ આ હાઈવેની આસપાસ અને શહેરની ફરતે સ્કાયસ્કેપર્સ બનાવવામાં રસ દાખવી રહ્યા છે. ગોતા વિસ્તારમાં નિરમા યુનિવર્સિટીની સામે અમદાવાદનું સૌથી ઊંચું 150 મીટરનું કોમર્શિયલ બિલ્ડિંગ બનશે, જેમાં 45 કરતાં વધુ ફ્લોર હશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. તે અંગેની પ્રપોઝલ રાજ્ય સરકારની સ્પેશિયલ ટેક્નિકલ કમિટી સમક્ષ મૂકવામાં આવી ચૂકી છે. હાલમાં રાજપથ ક્લબ પાસે આવેલી 43 માળની બિલ્ડિંગ અમદાવાદની સૌથી ઊંચું કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેની ઊંચાઈ 147 મીટર છે.

ડિસેમ્બર 2014માં રાજ્ય સરકારે ગુજરાત કોમ્પ્રેહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ (CGDCR)ને મંજૂરી આપી હતી. તે સમયે આશ્રમ રોડના કેટલાક વિસ્તારોમાં 5.4 ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (FSI) મંજૂર કરવામાં હતી. જ્યારે મેટ્રો અને BRTS રૂટની બંને તરફ 200 મીટરના અંતરે ચારની FSI આપવામાં આવતી હતી. જોકે 4ની FSIની જોગવાઈ હોવા છતાં 22 ફ્લોરના બિલ્ડિંગ્સને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી મોટા ભાગના 70 મીટરથી ઊંચા હતા. વર્ષ 2017માં રાજ્ય સરકારે કોમન GDCR લાગુ કર્યા હતા, જેમાં વર્ષ 2018માં સુધારા-વધારા કરાયા હતા. વર્ષ 2021થી રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીગનરમાં 100 મીટરથી ઊંચા બિલ્ડિંગ્સને મંજૂરી આપવાનું શરૂ કર્યું હતું. રાજ્ય સરકારના ડેટા મુજબ 3 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 100 મીટરથી ઊંચા ગાંધીનગર અને સુરતમાં બે જ્યારે વડોદરામાં એક બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવી છે.

અમદાવાદ સિવિલ બોડીએ વર્ષ 2014ની CGDCR ગાઈડલાઈન મુજબ 45થી 70 મીટરની 127 બિલ્ડિંગ્સને મંજૂરી આપી છે. મ્યુનિસિપલ કમિશનરના વડપણ હેઠળની સ્પેશિયલ કમિટી બધા હાઈ-રાઈઝ કોમર્શિયલ પ્લાન્સનો રિવ્યુ કરે છે. AMCના ડેટા દર્શાવે છે કે, મંજૂર કરાયેલી બિલ્ડિંગ્સમાંથી 80 ટકા પશ્ચિમ અમદાવાદની અને તેમાંય ખાસ કરીને બોડકદેવ અને થલતેજ વિસ્તારની છે, જ્યારે પૂર્વ વિસ્તારની 20 ટકા છે.