નવી દિલ્હીઃ આવતા એક વર્ષમાં તમને ટોલ ટેક્સ પર ઊભા રહેવું નહીં પડે, કારણ કે આ મુદ્દે કેન્દ્ર સરકાર એક ખાસ સિસ્ટમ પર કામ કરી રહી છે. આ સિસ્ટમ લાગુ થયા પછી ટોલ બૂથ પર પૈસા ચૂકવવા માટે કોઈ પણ વાહનને કતારમાં ઊભા રહી પોતાના વારાની રાહ જોવાની જરૂર નહીં રહે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં આ નવી સિસ્ટમ વિશે મોટું નિવેદન આપ્યું છે.
તેમના જણાવ્યા મુજબ આવતા એક વર્ષમાં ટોલ વસૂલાતની હાલની વ્યવસ્થા સંપૂર્ણ રીતે બદલી નાખવામાં આવશે. હવે ટોલ ટેક્સ માત્ર ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા જ લેવામાં આવશે. તેનો સૌથી મોટો લાભ વાહનચાલકોને થવાનો છે.શિયાળુ સત્રમાં ગુરુવારે લોકસભામાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે નવી વ્યવસ્થા 10 સ્થળોથી શરૂ કરવામાં આવી છે અને આવતા એક વર્ષમાં તેનો દેશવ્યાપી વિસ્તાર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ વ્યવસ્થા આવતાં જ હાલની ટોલ સિસ્ટમ પૂરી રીતે બંધ થઈ જશે. ટોલને નામે તમને રોકનાર કોઈ નહીં રહે. એક વર્ષમાં દેશમાં ‘ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન’ લાગુ કરી દેવામાં આવશે. ગડકરીએ એ પણ જણાવ્યું હતું કે હાલમાં દેશભરમાં 10 લાખ કરોડ રૂપિયાના 4500 રાષ્ટ્રીય હાઈવે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.
તાજેતરમાં જારી થયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ ભારતના હાઈવે પર ટોલ વસૂલાતને સરળ બનાવવા માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) પ્રોગ્રામ તૈયાર કર્યો છે, જે ઇલેક્ટ્રોનિક ટોલ પેમેન્ટ માટેનું એકીકૃત ‘ઇન્ટરઓપરેબલ પ્લેટફોર્મ’ છે. લોકસભામાં બોલતાં તેમણે દિલ્હી પ્રદૂષણ મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વૈકલ્પિક ઇંધણને પ્રાથમિકતા આપી રહી છે અને ટોયોટાની ‘મિરાઇ’ હાઇડ્રોજન ફ્યુઅલ-સેલ કારનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે.
ગડકરીએ પૂરક પ્રશ્નોના ઉત્તરમાં કહ્યું હતું કે ભવિષ્યનું ઇંધણ હાઇડ્રોજન છે. મારી પાસે પણ એક હાઇડ્રોજન ચાલિત કાર છે અને એ ટોયોટાની છે. આ કાર મર્સિડીઝ જેટલો આરામ આપે છે. કારનું નામ ‘મિરાઇ’ છે, જે જાપાની શબ્દ છે અને તેનો અર્થ ‘ભવિષ્ય’ છે.


