અલ-ફલાહ યુનિવર્સિટી પર વાગશે તાળું?: નોટિસ પછી વેબસાઇટ બંધ

નવી દિલ્હીઃ NAACએ અલ-ફલાહ યુનિવર્સિટીને તેની વેબસાઇટ પર ખોટી માન્યતા હોવાનો દાવો કરવા બદલ કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. NAACએ યુનિવર્સિટીને સ્પષ્ટીકરણ આપવા કહ્યું છે અને સૂચના આપી છે કે તે તેની વેબસાઇટ અને અન્ય જાહેર રીતે ઉપલબ્ધ દસ્તાવેજોમાંથી NAAC માન્યતા સંબંધિત વિગતો તરત દૂર કરે.

એ દરમ્યાન યુનિવર્સિટીની વેબસાઇટ બંધ થઈ છે. દિલ્હીના ઓખલામાં આવેલા યુનિવર્સિટી હેડક્વાર્ટર પર મોટી સંખ્યામાં પોલીસ પહોંચી છે. આ યુનિવર્સિટી હાલમાં દિલ્હી વિસ્ફોટ કેસની તપાસ હેઠળ છે.

EDએ પણ યુનિવર્સિટીની નાણાકીય લેવડદેવડની તપાસ શરૂ કરી છે. કારણ બતાવો નોટિસમાં NAACએ જણાવ્યું હતું કે અલ-ફલાહ યુનિવર્સિટીને ન તો NAAC તરફથી માન્યતા પ્રાપ્ત છે, ન તો તેણે NAACમાં માન્યતા માટે અરજી કરી છે. છતાં પણ તેણે પોતાની વેબસાઇટ પર જાહેર કર્યું છે કે અલ-ફલાહ યુનિવર્સિટી, અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટની પહેલ છે, જે પોતાના કેમ્પસમાં ત્રણ કોલેજ ચલાવે છે.

આ કોલેજોમાં સામેલ છે:

અલ-ફલાહ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (1997થી NAAC ગ્રેડ A)

બ્રાઉન હિલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (2008થી)

અલ-ફલાહ સ્કૂલ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (2006થી NAAC ગ્રેડ A)

કારણ બતાવો નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે અને ખાસ કરીને વાલીઓ, વિદ્યાર્થીઓ અને શેરહોલ્ડરોને ગેરમાર્ગે દોરે છે.

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કારમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકોનાં મોત થયાં હતાં અને ઘણા ઘાયલ થયા. આ ઘટના એ સમયે બની જ્યારે એક આતંકી મોડ્યુલના ભાંડો ફૂટ્યાના કલાકો જ થયા હતા. ધરપકડ કરાયેલા આતંકીઓમાં અલ-ફલાહ યુનિવર્સિટીના ત્રણ ડોક્ટર પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.