દેશભરમાં ભારે વિવાદ સર્જનારા NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના આક્રમક વલણ બાદ હવે તેના પ્રત્યાઘાત ગુજરાતના રાજકારણમાં પણ તીવ્ર બન્યા છે. ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ બહાર રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલા ધરણાંના જવાબમાં આજે ૨૨ જુલાઈએ અમદાવાદ સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. સવારના સમયે કોંગ્રેસની આક્રમક રેલી દરમિયાન પોલીસ સાથે ભારે ઘર્ષણ સર્જાયું હતું, તો બપોરે ભાજપ દ્વારા યોજાયેલું વિરોધ પ્રદર્શન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે સમેટાયું હતું.
કોંગ્રેસની રેલીમાં ભારે ઘર્ષણ: પોલીસ વાહન પર ચડી ગયા કાર્યકરો
આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ રાજીવ ગાંધી ભવન ખાતેથી કોંગ્રેસે વિશાળ ધરણાં અને ત્યારબાદ રેલીનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો રેલી લઈને નજીકના ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે જ પરિસ્થિતિ વણસી હતી. ઉશ્કેરાયેલા કાર્યકરો પોલીસની ગાડીઓ પર ચડી ગયા હતા, જેમને નીચે ઉતારવા માટે પોલીસકર્મીઓએ પણ વાહનો પર ચડવું પડ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિતના વરિષ્ઠ નેતાઓની અટકાયત કરતા પોલીસને ભારે મથામણ કરવી પડી હતી. અંતે પોલીસે ત્રણ જેટલી બસો ભરીને પ્રદર્શનકારીઓની અટકાયત કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

મૃતક વિદ્યાર્થીના પિતા ન્યાયની ગુહાર સાથે પહોંચ્યા
કોંગ્રેસના આ ધરણાં કાર્યક્રમમાં NEET ની પરીક્ષા અગાઉ માનસિક તણાવમાં આવીને આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પ્રશાંત પટેલ પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા. તેમણે અત્યંત દર્દનાક શબ્દોમાં જણાવ્યું હતું કે, મેં મારો વ્હાલસોયો દીકરો ગુમાવ્યો છે. દેશના અન્ય કોઈ યુવા સાથે આવું ન થાય તે માટે હું ન્યાયની માંગ સાથે દિલ્હી વિરોધમાં ગયો હતો અને આજે અમદાવાદ આવ્યો છું.
ભાજપનું વળતું પ્રદર્શન: કાર્યાલયના પગથિયાં સુધી પહોંચ્યો વિરોધ
દિલ્હીમાં કોંગ્રેસના પ્રદર્શનના વિરોધમાં બપોરે ૨ વાગ્યે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ્સ લઈને રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો રોડ પર બેસીને ‘કોંગ્રેસ હાય હાય’ અને ‘રાહુલ ગાંધી હાય હાય’ના નારા લગાવી રહ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ કાર્યાલયના પગથિયાં (સીડી) પર બેસી ગયા હતા અને સામે ‘મોદી-શાહ હાય હાય’ તથા ‘ચોકીદાર ચોર હૈ’ના તીખા નારા લગાવ્યા હતા. સામસામે તીવ્ર સૂત્રોચ્ચારથી માહોલ અત્યંત ગરમ બન્યો હતો. જોકે, અંદાજે એક કલાક સુધી ચાલેલા આ પ્રદર્શન બાદ ભાજપના નેતાઓ અને કાર્યકરો શાંતિપૂર્ણ રીતે પરત ફર્યા હતા.
ડ્રોન કેમેરા અને ડબલ લેયર બેરિકેડિંગથી કડક સુરક્ષા
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસને રાજીવ ગાંધી ભવન આસપાસ ચુસ્ત પોલીસ છાવણી ખડકી દીધી હતી. JCP, DCP, ACP, PI અને PSI સહિત ઝોન-૭ના મોટા પોલીસ કાફલાને તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે મુખ્ય રસ્તાઓ પર ડબલ લેયર બેરિકેડ્સ મૂકીને આખો વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. બંને પક્ષના કાર્યકરો સામસામે ન અથડાય તે માટે સમગ્ર વિસ્તાર પર ડ્રોન કેમેરાથી કડક નજર રાખવામાં આવી હતી. પોલીસે કોંગ્રેસ કાર્યાલયને ચારેય તરફથી ઘેરી લઈને નેતાઓ તથા કાર્યકરોને બહાર નીકળતા અટકાવ્યા હતા. હાલ પૂરતી સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે, પરંતુ અમદાવાદનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે.


