પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે જમા કરવામાં આવેલા વાહનો કેસ ચાલે ત્યાં સુધી કે કોર્ટના આદેશ સુધી પોલીસ સ્ટેશનમાં જ રહે છે. જેના કારણે ઘણીવાર વર્ષો સુધી તેનો નિકાલ થતો નથી. ત્યારે કેટલાક કિસ્સામાં વાહનની ઓળખ કરવી પણ અઘરી બની જતી હતી. આ મુશ્કેલીના નિવારણ માટે અમદાવાદ પોલીસે ક્યુ આર કોડ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં વાહનમાં કેસની વિગતો સાથેનો ક્યુ આર કોડ લગાવવામાં આવ્યો છે. જેથી સ્કેન કરતા વાહનની અને કેસની વિગતો એકસાથે મળી રહે છે. આ પ્રોજેક્ટની શરૂઆત વાસણા પોલીસ મથકે કરવામાં આવી છે.
મુદ્દામાલ પરત કરતા સમયે પોલીસને મુશ્કેલી રહે છે
અમદાવાદ સહિત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં ગુનાના કામના અનુસંધાનમાં મોટા પ્રમાણમાં જપ્ત કરાયેલા વાહનો મુદ્દામાલ તરીકે રાખવામા આવે છે. ત્યારે અનેક કિસ્સામા વાહનો વર્ષો સુધી કોર્ટ કેસના કારણે મુદ્દામાલના વાહનોને છોડવામાં આવતા નથી. જેના કારણે અનેક વાર વાહનો પડયા રહેવાથી તેમા કાટ લાગવાની સાથે ઓળખવા પણ અઘરા રહે છે. જેના કારણે કોર્ટના હુકમ બાદ તેને મુદ્દામાલ પરત કરતા સમયે પોલીસને મુશ્કેલી રહે છે.
આ પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતની પોલીસ માટે મહત્વપૂર્ણ બની રહેશે
આ મુશ્કેલીનું નિવારણ લાવવા માટે પોલીસ દ્વારા ક્યુ આર કોડ સિસ્ટમની મદદ લેવામાં આવી છે. જેમાં કેસની વિગતો સાથેનો ક્યુ આર કોડ તૈયાર કરીને જે તે મુદ્દામાલના વાહન સાથે લગાવવામાં આવ્યા છે. જેથી ક્યુઆર કોડ સ્કેન કરતા તે કેસની વિગતો પણ પોલીસને એક જ ક્લીકમાં મળી રહેશે. આ ક્યુ આર કોડ ખાસ સોફ્ટવેરથી મદદ સેટ કરાયો છે. આ પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતની પોલીસ માટે મહત્વપૂર્ણ બની રહેશે.
