અમદાવાદ વિમાન દુર્ઘટના: ચારે બાજુ મરેલાં કૂતરાં અને પક્ષીઓ

અમદાવાદઃ વિમાન દુર્ઘટનાની વિનાશકતા એટલી ભયંકર હતી કે આસપાસનું તાપમાન થોડી જ મિનિટોમાં લગભગ 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ વિમાનમાં રહેલા આશરે 1.25 લાખ લિટર ઇંધણે આગને હજી વધુ ભડકાવી દીધી, જેને કારણે સ્થળ પર બચાવકાર્ય કરવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું.

SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે આસપાસની જગ્યા-જગ્યા પર મરેલાં કૂતરાં અને પક્ષીઓ જોવા મળ્યાં, જેને જોઈને દુર્ઘટનાની ગંભીરતા અંદાજી શકાય છે. SDRFના એક જવાને જણાવ્યું હતું કે તાપમાન એટલું વધુ હતું કે રેસ્ક્યુ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. ચારે બાજુ સળગતો કાટમાળ પડ્યો હતો, જેને દૂર કરવું સહેલો નહોતો. તેણે કહ્યું હતું કે તેમણે ઘણી દુર્ઘટનાઓ સંભાળી છે, પરંતુ આવી દુર્ઘટના સૌપ્રથમ વાર જોઈ.

SDRFના એક અન્ય અધિકારીએ જણાવ્યું કે કેટલાં મૃતદેહો બહાર લાવ્યા તેની ગણતરી પણ ભૂલી ગયા છે. તેમનું કહેવું હતું કે દુર્ઘટના એટલી ઝડપથી બની કે પશુઓ અને પક્ષીઓને પણ ભાગી જવાની તક મળી નહોતી. દુર્ઘટનાના સમયે SDRFની ટીમ બપોરે આશરે 2 થી 2:30 વચ્ચે BJ મેડિકલ કોલેજના હોસ્ટેલ અને રહેણાક વિસ્તારો સુધી પહોંચી હતી જ્યાં વિમાન ખાબક્યું હતું. તે પહેલાં કેટલાક સ્થાનિક લોકોએ કેટલાક ઘાયલ લોકોને બહાર કાઢ્યા હતા, પણ SDRF ટીમને ત્યાં કોઈ જીવતો મળ્યો નહિ.

આ ઘટનાને ભારતીય હવાઈ ઇતિહાસની સૌથી ભયંકર દુર્ઘટનામાંથી એક ગણવામાં આવી રહી છે. એર ઇન્ડિયાએ X (પહેલાનું Twitter) પર પોસ્ટ કરીને જણાવ્યું કે દુર્ઘટનામાં 241 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે 265 મૃતદેહો હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.