અમદાવાદ: દિલ્હી દરવાજા, રાયપુર, માણેકચોક, ત્રણ દરવાજા સહિત કેટલાક પરંપરાગત બજારોના માર્ગો પર પાથરણાં બજાર, લારીઓ, દુકાનોમાં જથ્થાબંધ અને છુટક ફટાકડા મળતાં. હવે પૂર્વ અને પશ્વિમ અમદાવાદમાં વસતી વધતાં સ્થાનિક બજારોમાં સિઝનેબલ ધંધાઓની તમામ ચીજવસ્તુઓના મળી રહે છે.
વિવિધ વેરાયટીઓ સાથે ખુલ્લા પ્લોટોમાં મંડપો સાથે ફટાકડાના બજાર ખુલ્યા છે. હવે અઢળક દુકાન ધારકો બારેમાસ લાયસન્સ સાથે ફટાકડાની વિવિધ વેરાયટી વેચતા થઇ ગયા છે.
આ વર્ષે ફટાકડા બજારમાં બાળકો માટેના અવનવા ફેન્સી ફટાકડાથી લઈને મોટા આકાશ અને જમીન પર ફૂટતાં મલ્ટી-શોટ, સ્કાય શોટમાં પણ વિવિધતા જોવા મળી રહી છે. ખૂબ જ વ્યાજબી ભાવે મળી રહે છે.
શહેરના ફટાકડા બજારમાં વર્ષોથી વેપાર કરતાં દિવ્યાબહેન ચિત્રલેખા.કોમ કહે છે. બાળકો સાથે મોટા લોકોને પણ ફટાકડાની વેરાયટીમાં મજા પડે છે. તારા મંડળ, કોઠી, ચકરડી, દોરી, સાપોલિયા કરતાં કંઈક અલગ જ વેરાયટીની ડિમાન્ડ વધતી જાય છે. એમાંય કેટલાક લોકોને કલરફૂલ ફટાકડા ગમે, કેટલાકને અવાજ વગરના તો કેટલાકને અવાજ સાથે રંગો ઉડે એમાં મજા આવે.
આ વર્ષે ઇકોફ્રેન્ડલી ફટાકડામાં પણ વિવિધતા જોવા મળે છે. જેમાં પતંગિયા જેવા આકારના ફટાકડા આવ્યા છે. આ સાથે મોરની ડિઝાઇના સાથેના ફટાકડા ઉપલબ્ધ છે. જ્યારે અસલ પિઝાનું પેકેટ, કોલ્ડડ્રિંક્સ અને તડબુચ જેવા આકારમાં પણ ફટાકડા આવી ગયા છે. દરેક તહેવારોમાં બાળકોના પ્રિય કાર્ટુન પાત્રો એવા ડોરેમોન પોકેમોન સ્પાઇડરમેન તો ખરાજ.
એક તરફ ફટાકડાથી થતા વાયુ અને ધ્વનિ પ્રદૂષણથી લોકો પરેશાન હોય છે. પરંતુ નિયમો અને બાંધછોડ વચ્ચે ફટાકડા ફોડી લોકો આનંદ લેતા હોય છે. ‘ગ્રીન ફટાકડા’ની શોધ ‘નૅશનલ એનવાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ નીરી દ્વારા કરવામાં આવી છે. જેનાથી પ્રદુષણ ઓછું ફેલાય એવો દાવો છે.

અંધકારમાં ઉજાસ સાથે ઉજવણીના આ તહેવારમાં અવાજની માત્રા અને પ્રદુષણના પ્રમાણને ક્રેક કરી લોકો ક્રેકર્સનો આનંદ લેવાનું ચુકતા નથી.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)






