ભારતની વિમાન અકસ્માત તપાસ એજન્સી AAIB એ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનો દ્વારા સતત ફેલાવવામાં આવી રહેલા ખોટા અને અપ્રમાણિત દાવાઓ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. એજન્સીએ તેને બેજવાબદાર અને તપાસની નિષ્પક્ષતાને નુકસાન પહોંચાડનાર ગણાવ્યું છે. AAIB ની આ પ્રતિક્રિયા ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પછી આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ક્રેશ થયેલા વિમાનના કોકપીટ રેકોર્ડિંગમાં ખુલાસો થયો છે કે એક પાઇલટે ઇરાદાપૂર્વક એન્જિનને ઇંધણ પુરવઠો બંધ કરી દીધો હતો.
બનાવટી તારણો કાઢવાનો પ્રયાસ – AAIB
AAIB એ તેના નિવેદનમાં કહ્યું, ‘અમે જોયું છે કે કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનો તપાસ પૂર્ણ થાય તે પહેલાં જ બનાવટી તારણો કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અત્યંત બેજવાબદાર છે.’ એજન્સીએ કહ્યું, ‘તપાસ હજુ પૂર્ણ થઈ નથી. આવી સ્થિતિમાં, કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળ હશે. કૃપા કરીને ખોટી માહિતી ફેલાવવાનું ટાળો કારણ કે તે તપાસની નિષ્પક્ષતાને અસર કરી શકે છે. અંતિમ અહેવાલમાં અકસ્માતના વાસ્તવિક કારણો અને સુધારા માટેની ભલામણો જાહેર કરવામાં આવશે.’
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ તેના પત્રમાં જણાવ્યું હતું કે, AAIB એરક્રાફ્ટ (અકસ્માત અને ઘટનાઓની તપાસ) નિયમો, 2017 મુજબ કાર્ય કરે છે અને ભારત સરકારની જવાબદારીઓ પૂર્ણ કરવા માટે જવાબદાર છે. AAIB પાસે 2012 માં તેની સ્થાપના થઈ ત્યારથી 92 અકસ્માતો અને 111 ગંભીર ઘટનાઓની તપાસ કરવાનો દોષરહિત રેકોર્ડ છે. હાલમાં પણ, દુર્ભાગ્યપૂર્ણ એર ઇન્ડિયા B787-8 વિમાન VT-ANB ની તપાસ ઉપરાંત, અન્ય ઘણા અકસ્માતો અને ગંભીર ઘટનાઓની તપાસ ચાલી રહી છે.
