કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારંભ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયો હતો. નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાએ સૌપ્રથમ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા અને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓનો કાફલો રેલી સ્વરૂપે મહાગુજરાત આંદોલનના પ્રણેતાશ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને ફૂલહાર કરીને ટાઉનહોલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા બાદ રાજીવ ગાંધી ભવન ખાતે પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીકજીએ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારંભમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે ચૂંટણીમાં પરિણામોની જવાબદારી માત્ર પ્રમુખોની નથી હોતી. એ કાર્યકર, પ્રભારી અને હોદ્દેદારો તમામની જવાબદારી હોય છે. પ્રદેશ અધ્યક્ષનો તાજ હીરા મોતી વાળો નહીં પરંતુ જવાબદારીઓથી ભરેલો હોય છે કાર્યકરોનો વિશ્વાસ અને અનેક પડકારોનો સામનો પ્રદેશ પ્રમુખે કરવાનો હોય છે. ત્યારે આગામી દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની તૈયારી તમામે રાખવાની છે. ધારાસભા કે લોકસભા લડેલા હોય અને અન્ય કોઈ મજબૂત ના હોય તો એ ઉમેદવારે પણ લડવા તૈયારી દર્શાવવી પડશે. કોંગ્રેસ પક્ષ પૂરા જોશ જુસ્સા સાથે આગામી ચૂંટણી લડવામાં આવશે.