અમદાવાદ: બ્રહ્માકુમારી મહાદેવ નગર દ્વારા શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બિલિયન મિનિટ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત આ યાત્રાનું આયોજન કરાયું હતું. જે 23 નવેમ્બરને રવિવારના રોજ સવારે 07:00 વાગ્યાથી શરૂ થઈ હતી. આ યાત્રામાં સેકડો બ્રહ્માકુમાર–બ્રહ્માકુમારી ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
વિશ્વમાં શાંતિમય અને સુખમય સંસારની રચના થાય તે મહાન હેતુસર સમગ્ર ગુજરાતમાં 5,000થી પણ વધારે શાંતિ યાત્રાઓનું આયોજન બ્રહ્માકુમારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. યાત્રાનો શુભારંભ બ્રહ્માકુમારી મહાદેવ નગરના ડાયરેક્ટર ચંદ્રિકા દીદી, રેડ ક્રોસના ચેરમેન અમિત દોષી, તેમજ બંકાઈ ગ્રુપના ડાયરેક્ટર અવની બ્રહ્મભટ્ટ દ્વારા લીલી ઝંડી આપી કરવામાં આવ્યો હતો.
આ શાંતિ યાત્રામાં જોડાયેલા તમામ સાધકોએ શક્તિશાળી શાંતિના પ્રકંપનો ફેલાવતા જીવનમાં આંતરિક શાંતિ, સકારાત્મકતા અને સમરસતા સ્થાપિત કરવાનો સંદેશ આપ્યો હતો. પૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રાનું સમાપન થયું હતું.




