મંબઈ: ક્રિકેટમાં નિવૃત્તિ લેવાની પ્રક્રિયા જાણે ચાલુ હોય તેવું લાગે છે. તાજેતરમાં શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા અને તેના એક દિવસ પહેલા એટલે કે 28 ઓગસ્ટે વેસ્ટ ઈન્ડિઝના બોલર શેનન ગેબ્રિયલએ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હવે વધુ એક ક્રિકેટરની નિવૃત્તિના મોટા સમાચાર આવી રહ્યા છે. આ ખેલાડી ભારતના જ છે. ભારતના ડાબા હાથના ફાસ્ટ બોલર બરિન્દર સરને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર પોતાના નિર્ણય વિશે માહિતી આપતા 31 વર્ષીય સરને કહ્યું કે તેમના માટે સંન્યાસ લેવાનો આ યોગ્ય સમય છે.
બરિન્દર સરને કહ્યું કે તેણે સત્તાવાર રીતે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે, તેણે આ પ્રવાસ માટે બધાનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. તેણે કહ્યું કે 2009માં બોક્સિંગમાંથી ક્રિકેટમાં સ્વિચ કર્યા બાદ તેને અસંખ્ય અને અવિશ્વસનીય અનુભવો મળ્યા. તેણે કહ્યું કે ઝડપી બોલિંગ તેના માટે ખૂબ જ લકી બની ગઈ અને તેના માટે આઈપીએલમાં રમવાના દરવાજા ખુલી ગયા. ત્યારબાદ 2016માં તેને ટીમ ઈન્ડિયા તરફથી રમવાનો લહાવો મળ્યો.
View this post on Instagram
તેણે વધુમાં કહ્યું કે ભલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ટૂંકી હતી, પરંતુ ક્રિકેટ સાથે જોડાયેલી યાદો હંમેશા તેના હૃદયમાં રહેશે. તેણે યોગ્ય કોચ અને મેનેજમેન્ટ માટે ભગવાનનો પણ આભાર માન્યો. અંતમાં તેમણે કહ્યું કે આકાશની જેમ સપનાની પણ કોઈ સીમા હોતી નથી માટે સપના જોતા રહો.
બરિન્દરે 2015-16માં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું અને ત્યારબાદ 2016માં ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારત માટે બે T20I મેચો પણ રમી હતી. તેણે 6 ODI મેચમાં સાત વિકેટ અને બે T20I માં 6 વિકેટ લીધી હતી. બરિન્દરની આઈપીએલ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે મુંબઈ ઈન્ડિયન્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 2015 અને 2019 વચ્ચે 24 મેચ રમી અને 18 વિકેટ લીધી. તેણે 18 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 47 વિકેટ લીધી હતી જ્યારે 31 લિસ્ટ A મેચોમાં 45 વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે 48 ટી20 મેચમાં 45 વિકેટ લીધી હતી.