અમદાવાદઃ અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) અને રિલાયન્સ BP મોબિલિટી લિ.ની ઓપરેટિંગ બ્રાન્ડ Jio-BPએ ભારતીય ગ્રાહકો માટે છૂટક ઓટો ફ્યુઅલના બહોળા અનુભવનો લાભ ઉપલબ્ધ કરાવવા માટેના કરાર કર્યાની આજે જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ગ્રાહકોને ATGLના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સમાં Jio-BPના ઊંચી-ગુણવત્તાના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરશે, જ્યારે Jio-BPના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સમાં ATGLના CNG વિતરણ એકમોને અદાણી ટોટલ ગેસના અધિકૃત ભૌગોલિક ક્ષેત્રોમાં એકીકૃત કરશે, જેનાથી વાહનધારક ગ્રાહકો માટે ઊંચી ગુણવત્તાવાળા ઇંધણનો પુરવઠો વધશે.
આ ફોટોમાં ડાબેથી જમણે પરાગ પરીખ- CFO, સુરેશ પી. મંગલાની- CEO (અદાણી ટોટલ ગેસ લિ.), પ્રણવ અદાણી, (અદાણી એન્ટરપ્રાઇઝીસ- ડિરેક્ટર), સાર્થક બેહુરિયા- ચેરમેન, વિનોદ તાહિલિયાની- CFO (JIO-BP) નજરે ચઢે છે.
અદાણી અને ટોટલ એનર્જીના સંયુક્ત સાહસ અદાણી ટોટલ ગેસ લિ. દેશની અગ્રણી સિટી ગેસ વિતરણ કંપની છે, જે આવાસો, ઉદ્યોગો, વાણિજ્યિક ગ્રાહકો અને વાહનચાલકોને કુદરતી ગેસનો પુરવઠો પૂરો પાડવાની સેવા આપે છે. અદાણી ટોટલ ગેસ પરિવહન ક્ષેત્ર માટે કમ્પ્રેસ્ડ બાયોગેસ, EV ચાર્જિંગ અને LNG પણ પૂરો પાડે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. અને BP વચ્ચેના સંયુક્ત સાહસ Jio-BP, ભારતમાં એક અગ્રણી મોબિલિટી સોલ્યુશન્સના પ્રદાતા છે, જે ઇંધણનું છૂટક વેચાણ તેમ જ ઓછી માત્રામાં કાર્બન ઓકતા વિકલ્પો ઉપલબ્ધ કરાવવા સાથે આધુનિક સુવિધાયુકત સ્ટોર્સમાં મજબૂત હાજરી ધરાવે છે.
આ પ્રસંગે Jio-BPના ચેરમેન સાર્થક બેહુરિયાએ જણાવ્યું હતું કે અમે અમારા ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ઇંધણની શ્રેષ્ઠ પસંદગી પૂરી પાડવા માટે એક સહિયારી દૂરંદેશી સાથે એક થયા છીએ. Jio-BP ગ્રાહકોને હંમેશાં એક અસાધારણ અનુભૂતિનો અહેસાસ કરાવવા માટે પ્રતિબદ્ધ રહી છે અને ભારતને પ્રદાન કરેલા મૂલ્યમાં વધુ ઉમેરો કરવા માટે પરસ્પરની શક્તિઓનો ઉપયોગ કરવાની આ સહયોગ અમને મોકળાશ આપે છે.
અદાણી ટોટલ ગેસ લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO સુરેશ પી મંગલાણીએ જણાવ્યું હતું કે અમારા આઉટલેટ્સમાં ઊંચી-ગુણવત્તાના ઇંધણની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડવાનું આ અમારી સહિયારી દૂરદ્રષ્ટિ છે. આ ભાગીદારી અમને એકબીજાની માળખાગત સુવિધાઓનો ફાયદો લેવા સક્ષમ બનાવવા સાથે સામાન્ય ગ્રાહકોને આ બન્નેના અનુભવ અને ઓફરિંગમાં ઉમેરો કરશે. અદાણી ટોટલ ગેસ 650 CNG સ્ટેશનોના નેટવર્કનું સંચાલન કરે છે, જ્યારે Jio-bp 2000 આઉટલેટ્સનું નેટવર્ક ધરાવે છે. આ વ્યૂહાત્મક ભાગીદારી બંને કંપનીઓની ટકાઉ વૃદ્ધિ અને નવીનતા તરફના પ્રયાણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
