નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઉત્તર-પૂર્વીય પ્રદેશમાં આગામી દશ વર્ષમાં રૂ. ૧,૦૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાની આજે મહત્ત્વની જાહેરાત કરીને વિવિધ ઉદ્યોગોના વિકાસની વિપુલ શક્યતા ધરાવતા આ પ્રદેશની ઔદ્યોગિક કાયાપલટ સાથે રોજગાર નિર્માણની તકો સાથે આત્મનિર્ભર ભારતનું ધ્યેય હાંસલ કરવામાં યોગદાન આપવાની અદાણી ગ્રુપની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર-પૂર્વી રાજ્યોના CMઓ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને વરિષ્ઠ અગ્રણીઓ તથા ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ગ્લોબલ રોકાણકાર શિખરમાં સંબોધન કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમના સમૂહનું લક્ષ્ય કૌશલ્ય અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો મારફત સ્માર્ટ મીટર્સ, હાઇડ્રો, પમ્પ્ડ સ્ટોરેજ હરિત ઊર્જા, વીજ ટ્રાન્સમિશન, માર્ગો અને ધોરીમાર્ગો, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને ક્ષમતા નિર્માણનું રહેશે.
ફક્ત ત્રણ મહિના પહેલાં ફેબ્રુઆરીમાં યોજાયેલી એડવાન્ટેજ આસામ 2.0 સમિટમાં અદાણી જૂથ દ્વારા જાહેર કરાયેલા રૂ. 50,000 કરોડના રોકાણની આ પ્રતિબદ્ધતા બમણી કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને સંબોધન કરતાં અદાણીએ આજે કહ્યું હતું કે આપના નેતૃત્વથી પ્રેરણા મળી છે. ત્યારે જાહેરાત કરું છું કે અદાણી જૂથ આગામી 10 વર્ષમાં ઉત્તર-પૂર્વમાં વધારાનું 50,000 કરોડનું રોકાણ કરશે.
VIDEO | Rising Northeast Investors Summit 2025: Gautam Adani(@gautam_adani), Chairman of the Adani Group, says, “Over the past decade, in the hills and valleys of Northeast, a new chapter in India’s growth story is unfolding. Our story is rooted in diversity, resilience and… pic.twitter.com/71AXuzMyFT
— Press Trust of India (@PTI_News) May 23, 2025
અદાણીએ વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ઉત્તર-પૂર્વમાં થઇ રહેલા પરિવર્તનની પ્રશંસા કરતાં આ પ્રદેશમાં મોટા પાયે માળખાગત સુવિધાઓને પ્રાથમિકતા આપવાની બાબત ટાંકીને કહ્યું હતું કે ઉત્તર-પૂર્વમાં 2014થી રોડ નેટવર્કનું વિસ્તરણ કરી લગભગ 16,000 કિ.મી સુધી બમણું કરવા માટે રૂ. 6.2 લાખ કરોડનું રોકાણ થયું હતું તથા ઓપરેશનલ એરપોર્ટ્સની સંખ્યા નવથી વધારી 18 કરવામાં આવી છે.
”એક્ટ ઇસ્ટ, એક્ટ ફાસ્ટ, એક્ટ ફર્સ્ટ”ના વડા પ્રધાનના સિદ્ધાંતને આ પ્રદેશના વિકાસ માટેના ટર્નિંગ પોઇન્ટ તરીકેનું શ્રેય તેમણે આપ્યું હતું. આ કેવળ નીતિ નથી. તે તમારી મોટી વિચારસરણીની વિશેષતા છે, એમ અદાણીએ કહ્યું હતું.
અદાણીએ પ્રથમ લોકાભિમુખ અભિગમને ધ્યાનમાં રાખીને ભારપૂર્વક જણાવ્યું હતું કે શારીરિક માળખાગત સુવિધાઓ ઉપરાંત અદાણી ગ્રુપનાં રોકાણો નોકરીઓની તકોનું સર્જન, ઉદ્યોગસાહસિકતા અને સમુદાયોને જોડવાને પ્રાધાન્ય આપશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધુ અમે લોકોમાં રોકાણ કરીશું. અમારો પ્રત્યેક અભિગમ સ્થાનિક નોકરીઓ, સ્થાનિક ઉદ્યોગસાહસિકતા અને સમુદાયને જોડવાને પ્રાથમિક્તા આપશે.
