અદાણી, ગૂગલ વચ્ચે AI ડેટા સેન્ટર કેમ્પસના નિર્માણ માટે ભાગીદારી

અમદાવાદઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં દેશના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અદાણી એન્ટરપ્રાઇઝે, તેની સંયુક્ત સાહસ કંપની અદાણી કોનનેક્સ (AdaniConneX)  અને ગૂગલ વચ્ચે એક ભાગીદારી કર્યાની આજે જાહેરાત કરી હતી.

વિશાખાપટ્ટનમમાં ગૂગલના AI હબના નિર્માણ માટે ૨૦૨૬થી ૨૦૩૦નાં પાંચ વર્ષમાં અંદાજે USD 15 બિલિયનનું બહુપક્ષી મૂડીરોકાણની ધારણા છે, જેમાં ભારતમાં સૌથી વધુ માગવાળા AI વર્કલોડને ચલાવવા માટે એક મજબૂત સબસી કેબલ નેટવર્ક અને સ્વચ્છ ઊર્જા દ્વારા સમર્થિત ગિગાવોટ-સ્કેલ ડેટા સેન્ટરની કામગીરીનો સમાવેશ થાય છે. તેને અદાણી કોનનેક્સ અને એરટેલ સહિતની ઇકોસિસ્ટમના ભાગીદારો સાથે ગાઢ સહયોગથી સક્રિય અને જીવંત કરવામાં આવશે.

અદાણી કોનનેક્સના સહયોગથી વિકસાવવામાં આવેલા ગૂગલના AI  હબના પાયાના સ્તંભોમાં વિશાખાપટ્ટનમમાં હેતુલક્ષી AI ડેટા સેન્ટરના માળખાનો સમાવેશ થાય છે, જે ભારતની AI ક્ષમતાઓમાં પેઢીગત પરિવર્તન લાવવામાં મદદ કરવા માટે નોંધપાત્ર ગણતરી ક્ષમતા ઉમેરશે. આ પ્રકલ્પ બંને કંપનીઓની ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પણ મદાર રાખવા સાથે આંધ્ર પ્રદેશમાં નવી ટ્રાન્સમિશન લાઇન, સ્વચ્છ ઊર્જા ઉત્પાદન અને અવનવી ઊર્જા સંગ્રહ પ્રણાલીઓમાં સહ-રોકાણ થાય તેનો પણ ખ્યાલ રાખશે. આ ડેટા સેન્ટરની કામગીરીને ફક્ત ટેકો જ નહીં આપે, પરંતુ ભારતના વીજળીની ગ્રીડની સ્થિતિસ્થાપકતા અને ક્ષમતામાં પણ વધારો કરશે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપને આ ઐતિહાસિક પ્રકલ્પ માટે ગૂગલ સાથે ભાગીદારી કરવાનું ગૌરવ છે, જે ભારતના ડિજિટલ લેન્ડસ્કેપના ભવિષ્યને વ્યાખ્યાયિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે આ ફક્ત માળખાગત સુવિધાઓમાં રોકાણ કરતાં વધુ મહત્વનું એ છે કે તે ઉભરતા રાષ્ટ્રના આત્મામાં રોકાણ છે. આ ભાગીદારી રાષ્ટ્રનિર્માણના અમારા સહિયારા દ્રષ્ટિકોણ અને ૨૧મી સદીનાં સંસાધનો સાથે પ્રત્યેક ભારતીયને સશક્ત અને સક્ષમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. વિશાખાપટ્ટનમ હવે ટેક્નોલોજી માટે વૈશ્વિક સ્થળ બનવા માટે સજ્જ છે અને અમે આ ચિરસ્મરણીય સફરના  શિલ્પી બનવા માટે રોમાંચિત છીએ.

ગૂગલ ક્લાઉડના CEO થોમસ કુરિયને કહ્યું હતું કે AI યુગમાં ભારતની વિશાળ સંભાવનાઓને ઉજાગર કરવા માટે અમે ગૂગલ AI હબમાં રોકાણ કરી રહ્યા છીએ, જે વૃદ્ધિને વેગ આપવા સાથે વ્યવસાયો, સંશોધકો અને સર્જકોને AI સાથે નિર્માણ અને સ્કેલ કરવા સક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ પાયો પૂરો પાડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે અદાણી સાથે સહયોગ કરીને અમે અમારા અત્યાધુનિક સંસાધનોને સમુદાયો અને ગ્રાહકોની નજીક લાવીને તેમને વૈશ્વિક મંચ ઉપર નવીનતા અને વિકાસ માટે પ્રદર્શન, સુરક્ષા અને સ્કેલેબિલિટી પ્રદાન કરીશું.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ અને ત્યાર બાદ દેશમાં આ AI હબ અને કનેક્ટિવિટી ગેટવેનો વિકાસ ડિજિટલ સમાવેશકતાને સંચાલિત કરીને ટેકનોલોજી, બાંધકામ અને સ્વચ્છ ઊર્જામાં હજારો નોકરીઓનું સર્જન કરીને આર્થિક વિકાસ માટે એક શક્તિશાળી એન્જિન બનાવશે.