અભય દેઓલની ફિલ્મ ભારત પહેલા કેલિફોર્નિયામાં બતાવાશે,’બન ટિક્કી’નું થશે વર્લ્ડ પ્રીમિયર

મુંબઈ: ડેબ્યૂ ડિરેક્ટર ફરાઝ આરિફ અંસારીની પહેલી ફિચર ફિલ્મ ‘બન ટિક્કી’ ગ્લોબલ બનવા જઈ રહી છે. શબાના આઝમી, ઝીનત અમાન અને અભય દેઓલ અભિનીત આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર 5 જાન્યુઆરીએ કેલિફોર્નિયામાં થશે. આ ફિલ્મ 36મા પામ સ્પ્રિંગ્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (PSIFF)માં દર્શાવવામાં આવશે.આ ફિલ્મ ફેશન ડિઝાઈનરમાંથી નિર્માતા બનેલા મનીષ મલ્હોત્રાની બીજી ફિલ્મ છે. આ પહેલા તેમણે ‘સાલી મોહબ્બત’બનાવી હતી.

36મા પામ સ્પ્રિંગ્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં’બન ટિક્કી’નું ગ્લોબલ પ્રીમિયર ફિલ્મ ટીમ માટે એક મોટો અવસર સાબિત થયો છે. નિર્માતા જ્યોતિ દેશપાંડેએ જણાવ્યું હતું કે,’બન ટિક્કીને ટેકો આપવો એ માત્ર તેની કલાત્મક યોગ્યતાનું સમર્થન નથી, પરંતુ પડકારજનક અને પ્રેરણાદાયી વાર્તાઓ શેર કરવા માટે જરૂરી હિંમતની ઉજવણી છે. મનીષ અને ફરાઝે આ ફિલ્મ પૂરા દિલથી બનાવી છે અને મને ખાતરી છે કે તે આખી દુનિયાના લોકોના દિલ જીતી લેશે.’

શું છે બન ટિક્કીની વાર્તા?

‘બન ટિક્કી’ સાત વર્ષના સાનુની વાર્તા છે, જે સ્વ-શોધ માટે સંઘર્ષ કરે છે, જ્યારે તેના પિતા સિદ્ધાંત તેના બાળકને સિંગલ પેરેન્ટ તરીકે સમજવાનો પ્રયાસ કરતી વખતે દુઃખ અને સામાજિક દબાણનો સામનો કરે છે. ફિલ્મ નિર્માતાના મતે, ‘બન ટિક્કી’ એ વિશ્વ પ્રત્યેનો મારો પ્રેમ પત્ર છે – દરેક બાળક, દરેક માતા-પિતા અને પ્રેમ, સહાનુભૂતિ અને દયાની પરિવર્તનશીલ શક્તિમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ માટે.

‘બન ટિક્કી’ના કલાકાર

પિતા-પુત્રના સંબંધો પર આધારિત, આ ફિલ્મમાં તેમના સમયની બે સૌથી પ્રખ્યાત પીઢ અભિનેત્રીઓ છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી શબાના આઝમી તેની જૂની કો-સ્ટાર ઝીનત અમાન સાથે બન ટિક્કીમાં કામ કરી રહી છે. તેણે છેલ્લે 1974માં આવેલી ફિલ્મ ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક’ અને 1982ની ફિલ્મ ‘અશાંતિ’માં કામ કર્યું હતું. આ સિવાય ફિલ્મમાં અભય દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. તે છેલ્લે 2023માં આવેલી ફિલ્મ ‘ટ્રાયલ બાય ફાયર’માં જોવા મળ્યા હતા. ફિલ્મમાં નુસરત ભરૂચા અને રોહન સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.