મુંબઈ: 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બોલિવૂડ અભિનેતા આમિર ખાને ગુજરાતના એકતા નગર ખાતે સ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે, જે સરદાર પટેલના વિશાળ વ્યક્તિત્વ અને ભારત પ્રત્યેના તેમના યોગદાનને દર્શાવે છે.
આમિર ખાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આમિર ખાને આ દરમિયાન વ્યુઈંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમને નિહાળ્યો હતો. લાઈબ્રેરી રૂમની પણ મુલાકાત લીધી હતી. આ સાથે જ કેસુડાનો છોડ રોપ્યો હતો અને પિંક રિક્ષામાં બેસીને વિશ્વ વનની મજા માણી હતી.
આમિરે પીએમ મોદીની પ્રશંસા કરી
આ પ્રસંગે આમિર ખાને એક પ્રેસ કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.તેમણે પીએમ મોદીની દૂરંદેશીની ખૂબ પ્રશંસા કરી. સ્વતંત્રતા સેનાનીઓ, ખાસ કરીને તેમના પરદાદા મૌલાના આઝાદ વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું,”મને બેસીને સ્વતંત્રતા સેનાનીઓ વિશે વિચારવાનો મોકો મળ્યો. આ દિવસ મારા માટે ખૂબ જ ખાસ હતો. મારા પરદાદા મૌલાના આઝાદ પણ ગાંધીજીના મોટા સમર્થક હતા. હું તેમની સાથે હતો. મને આ દિવસ ખૂબ જ ગમ્યો.આ એક ખાસ સ્થળ છે જેની કલ્પના પીએમ મોદીએ કરી હતી અને તેનું નિર્માણ કર્યું હતું. તે ખરેખર અસાધારણ બાબત બની ગઈ છે. હું બધા નાગરિકોને અહીં આવવા વિનંતી કરું છું.”
આ ફિલ્મમાં આમિર ખાન મળશે જોવા
વર્કફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન આજકાલ અભિનયની દુનિયાથી દૂર છે. તે છેલ્લે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં સ્ક્રીન પર જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ભારે ફ્લોપ રહી હતી. તેમની આગામી ફિલ્મનું નામ સિતારે જમીન પર છે.