ચૂંટણી માટે ‘આપ’ પાર્ટીએ પ્રચાર માટે પંજાબથી બોલાવ્યા કાર્યકર્તાઓ

અમદાવાદઃ હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે તમામ પક્ષો વિવિધ જાહેરાત કરી રહ્યા છે અને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વધુ પ્રચાર કરવા માટે પંજાબથી કાર્યકર્તાઓને બોલાવ્યા છે.aap gujarat

પંજાબના કાર્યકર્તાઓએ ગુજરાતમાં નાખ્યા ધામા

પંજાબના કાર્યકર્તાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં કોઈ જ કસર બાકી રાખવા નથી માંગતી. આ વખતે આમ આદમી પાર્ટી ભાજપને સીધી ટક્કર આપવા માટે સખત મહેનત કરી રહી છે. તો હવે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પ્રચાર કરવા માટે ખાસ પંજાબથી કાર્યકર્તાઓને ગુજરાત બોલાવ્યા છે. અમદાવાદમાં હમણાં ચૂંટણીના પ્રચાર માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પંજાબથી મોટી સંખ્યામાં આવ્યા છે.aap gujarat

પંજાબના કાર્યકર્તાઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર

પંજાબથી આમ આદમી પાર્ટીના પ્રચાર માટે આવેલા સુરજીતસિંહે ચિત્રલેખા. કોમ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અમે જુદા જુદા ગૃપમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા છીએ. પંજાબના હાલના મંત્રીઓ પણ પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવતા રહેશે. અમને ગુજરાતની જનતા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ તો દરેક પાર્ટીના લોકો એકબીજાના પ્રચાર માટે જુદા જુદા રાજ્યોની મુલાકાત લેતા જ હોય છે. પરંતુ હાલ પંજાબથી આવી આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરતા પેમ્ફલેટ વહેંચતા લોકો ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)