નવી દિલ્હીઃ ઈરાન સામે ઇઝરાયેલ અને અમેરિકાએ શરૂ કરેલું સૈન્ય અભિયાન ‘ઓપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury) આજે ચોથા દિવસે પ્રવેશી ગયું છે. અત્યાર સુધી આ મહાયુદ્ધમાં સેંકડો લોકોનાં મોત અને ભારે જાનમાલના નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. આવનારા દિવસોમાં યુદ્ધ વધુ ભયાનક બની શકે છે. જોકે આ યુદ્ધનાં ગંભીર આર્થિક પરિણામો હમણાંથી જ દેખાવા લાગ્યાં છે.
પેન્સિલવેનિયા યુનિવર્સિટીના ‘પેન વ્હાર્ટન બજેટ મોડલ’ (PWBM)ના ડિરેક્ટર અને જાણીતા રાજકોષીય વિશ્લેષક કેન્ટ સ્મેટર્સે જણાવ્યું છે કે આ યુદ્ધને કારણે અમેરિકાને અંદાજે 210 અબજ ડોલર (લગભગ રૂ. 17.5 લાખ કરોડ) જેટલું આર્થિક નુકસાન થવાની શક્યતા છે.
પૂર્વે ટ્રેઝરી વિભાગમાં ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી રહી ચૂકેલા સ્મેટર્સે ‘ફોર્ચ્યુન’ને જણાવ્યું કે આ સૈન્ય અભિયાનનો સીધો બજેટીય ખર્ચ 40 અબજથી 95 અબજ ડોલર વચ્ચે રહેવાની શકયતા છે. સૈન્ય કાર્યવાહી અને હથિયારોના સપ્લાયને કારણે અમેરિકન ટેક્સપેયર્સ પર તરત જ આશરે 65 અબજ ડોલરનો સીધો ભાર પડશે. સ્મેટર્સે ચેતવણી આપી છે કે જો યુદ્ધ બે મહિના કરતાં વધુ લાંબું ચાલે તો આ ખર્ચ ઝડપથી વધશે. સૈન્ય ખર્ચ સિવાય અમેરિકાને વધારાના 115 અબજ ડોલર જેટલા આર્થિક નુકસાનનો અંદાજ છે, જેમાં કુલ નુકસાન 50 અબજથી 210 અબજ ડોલર વચ્ચે પહોંચવાની ધારણા છે.
અભિયાનના ત્રીજા દિવસ સુધી ચાર અમેરિકન સૈનિકોનાં મોતના સમાચાર આવ્યા હતા અને રાષ્ટ્રપતિએ સંકેત આપ્યો હતો કે આ અભિયાન ચારથી પાંચ અઠવાડિયા સુધી ચાલી શકે છે. પેન્ટાગનની પૂર્વ તૈયારી પર જ આશરે 630 મિલિયન ડોલર ખર્ચાઈ ચૂક્યા છે.
આધુનિક યુદ્ધનો દૈનિક ખર્ચ લાખો કરોડમાં
આજના આધુનિક યુદ્ધોમાં દરરોજનો ખર્ચ અત્યંત મોટો હોય છે. એર ડિફેન્સ મિસાઇલ, ગોલા-બારુદ, ફાઇટર એરક્રાફ્ટ, લોજિસ્ટિક્સ, ઈંધણ અને સૈન્ય સાધનો પર ભારે ખર્ચ થાય છે. અંદાજ મુજબ હાઈ-ઇન્ટેન્સિટી મોટા પાયાના યુદ્ધમાં દરરોજ 300 મિલિયન ડોલરથી વધુ ખર્ચ થઈ શકે છે.
ઈરાન યુદ્ધમાં અમેરિકાનો સંભવિત ખર્ચ
વિશેષજ્ઞો મુજબ હાલમાં ચોક્કસ કહેવું વહેલું છે કે ઈરાન યુદ્ધમાં અમેરિકાને કુલ કેટલો ખર્ચ થશે, પરંતુ અંદાજ મુજબ ઓપરેશન એપિક ફ્યુરીના પ્રથમ 24 કલાકમાં જ અમેરિકાએ આશરે 779 મિલિયન ડોલર (લગભગ રૂ. 6535 કરોડ) ખર્ચ્યા હતા.


