બાંગ્લાદેશમાં 2 ટ્રેનો વચ્ચે ભીષણ અકસ્માત, 13 લોકોના મોત, અનેક ઘાયલ

બાંગ્લાદેશમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. બાંગ્લાદેશમાં સોમવારે બે ટ્રેનો વચ્ચેની ભયાનક અથડામણમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસનું કહેવું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. રાજધાની ઢાકાથી લગભગ 80 કિલોમીટર (50 માઇલ) દૂર ભૈરબ ખાતે પેસેન્જર ટ્રેન માલસામાન ટ્રેન સાથે અથડાઈ ત્યારે ટ્રેન અકસ્માત સર્જાયો હતો, જેના કારણે હોબાળો મચી ગયો હતો.  મૃત્યુઆંક વધી શકે છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે બાંગ્લાદેશી મીડિયા અનુસાર, મૃત્યુઆંક 20ને પાર કરી ગયો છે.

 

આ ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ફાયર સર્વિસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. બાંગ્લાદેશી ટીવી ચેનલ અનુસાર આ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે. ભૈરબ રેલ્વે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ (OC) મોહમ્મદ અલીમ હુસૈન શિકદારે જણાવ્યું હતું કે ઢાકા જતી પેસેન્જર ટ્રેન ‘એગારોસિન્દુર એક્સપ્રેસ ટ્વીલાઈટ’ અને કિશોરગંજ જતી ગુડ્સ ટ્રેન વચ્ચે સોમવારે બપોરે લગભગ 3:30 વાગ્યે ભૈરબ રેલ્વે સ્ટેશનની હદમાં અકસ્માત થયો હતો.