ભારતમાં એનિમલ હેલ્થકેરનો નવો યુગ શરૂ

ભારતમાં એનિમલ હેલ્થકેર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. દેશના અગ્રણી વેટરિનરી વેક્સિન ઉત્પાદકો ભેગા થઈને વેટરિનરી વેક્સિન ઈન્ડિયા મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (VVIMA)ની રચનાની જાહેરાત કરી છે. આ એક બિન-સરકારી અને બિન-લાભકારી સંસ્થા હશે, જે ભારતના વેટરિનરી વેક્સિન ઉત્પાદકોના સમૂહ અવાજ તરીકે કામ કરશે.

VVIMAનું ધ્યેય સરકાર, નીતિનિર્માતાઓ અને સ્ટેકહોલ્ડર્સ સાથે સહયોગ કરીને પશુ રસીઓના ક્ષેત્રમાં નવીનતા, ગુણવત્તા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાનું છે. સંગઠનનો પ્રયાસ રહેશે કે ભારત પશુચિકિત્સા રસીઓના સંશોધન અને ઉત્પાદન માટે વૈશ્વિક હબ તરીકે ઊભરશે.

આ સંસ્થા ‘વન હેલ્થ’ કૉન્સેપ્ટને આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ છે. અસરકારક ઈમ્યુનાઈઝેશન સ્ટ્રેટેજી દ્વારા માત્ર પશુઓમાં જ નહીં, પરંતુ મનુષ્યોમાં ફેલાતા રોગોના જોખમમાં પણ ઘટાડો કરવાનો VVIMAનો પ્રયાસ રહેશે. સાથે જ, ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલન સાથે સંકળાયેલા લાખો પરિવારોની આવકમાં વધારો થવાનો પણ અંદાજ છે.

VVIMAની સ્થાપનાને લઈને 25 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલ, સચિવ નરેશ પાલ ગંગવાર, કમિશનર ડો. પ્રવીણ મલિક અને અધિક સચિવ વર્ષા જોશીએ હાજરી આપી હતી. બેઠકમાં VVIMAની પ્રતિબદ્ધતાને સૌએ સ્વાગત કર્યું હતું.

હાલમાં ભારતનો વેટરિનરી વેક્સિન માર્કેટ લગભગ 2,000 કરોડ રૂપિયાનો છે, જ્યારે વૈશ્વિક બજારનું મૂલ્ય 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. ભારતમાં 8 ખાનગી કંપનીઓ અને અનેક રાજ્ય સરકારના યુનિટ્સ વેટરિનરી વેક્સિનનું ઉત્પાદન કરે છે. દેશ ગાય, બકરા, ઘેટાં, ડુક્કર, મરઘાં અને પાલતુ પ્રાણીઓ માટેની ઘણી રસીઓમાં આત્મનિર્ભર છે અને અનેક રસીઓની નિકાસ પણ કરે છે.

સરકાર હાલમાં વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય રસીકરણ કાર્યક્રમો હેઠળ ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, બ્રુસેલોસિસ, લમ્પી સ્કિન ડિસીઝ, પીપીઆર અને સ્વાઇન ફીવર જેવી બીમારીઓ સામેની રસીઓ સ્થાનિક સ્તરે ખરીદી અને વિતરણ કરે છે. મોટાભાગની માંગ ખાનગી કંપનીઓ પૂરી પાડે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “આત્મનિર્ભર ભારત”ના વિઝન સાથે સુસંગત, VVIMA સંશોધન, ટેકનોલોજી અને મજબૂત સપ્લાય ચેઇન દ્વારા ભારતને પશુચિકિત્સા રસીઓના વૈશ્વિક સપ્લાયર તરીકે ઉભું કરવાની દિશામાં આગળ વધશે.