મહેસાણામાં દિવાલ ધરાશાયી, 9ના મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

ગુજરાતના મહેસાણા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. કડી તાલુકાના જેસલપુર ગામ પાસે કંપનીની દિવાલ ધરાશાયી થતા મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે જ્યારે એક ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ, અહીં એક કંપની માટે અંડરગ્રાઉન્ડ ટાંકી લગાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થતાં સ્થળ પર કામ કરી રહેલા કામદારો ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ પ્રસંગે એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમો પણ હાજર રહી હતી.

મળતી માહિતી મુજબ આ અકસ્માત બપોરે 1.45 વાગ્યાની આસપાસ થયો હતો. અહીં 9-10 લોકો દટાયા હતા, જેમાંથી પહેલા 6ના મૃતદેહ મળી આવ્યા છે. અહીં એક 19 વર્ષનો છોકરો પણ ફસાયેલો હતો જેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે. તેણે જણાવ્યું કે અહીં 8-9 લોકો કામ કરતા હતા. 2-3 લોકો હજુ પણ ફસાયેલા છે.

પીએમ મોદીએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, તેમણે કહ્યું કે, ગુજરાતના મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાથી થયેલ અકસ્માત અત્યંત દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં વ્યસ્ત છે. આ સાથે જ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.