ભારતીયોને લઈને જતાં પ્લેનને ફ્રાંસમાં અચાનક રોકી દેવાયું, જાણો કેમ ?

UAE થી નિકારાગુઆ જઈ રહેલા એક વિમાનને ફ્રાન્સમાં અટકાવવામાં આવ્યું છે. આ વિમાનમાં 303 ભારતીય મુસાફરો સવાર છે. બનાવની જાણ થતાંની સાથે જ પેરિસથી લઈને દિલ્હી સુધી ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ, ‘માનવ તસ્કરી’ની આશંકામાં વિમાનને ફ્રાંસમાં લેન્ડ કરવામાં આવ્યું છે અને બે શંકાસ્પદ મુસાફરોની અટકાયત કરવામાં આવી છે. ફ્રાન્સમાં ભારતીય એમ્બેસીએ મુસાફરો સાથે વાતચીત કરવા માટે કોન્સ્યુલર એક્સેસ મેળવ્યું છે. તેઓ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તેઓએ સુનિશ્ચિત કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે કે મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.

અહેવાલ અનુસાર, રાષ્ટ્ર-વિરોધી-સંગઠિત અપરાધ એજન્સી JUNALCOએ તપાસ હાથ ધરી છે. પેરિસના ફરિયાદી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિશેષ તપાસકર્તાઓ વિમાનમાં સવાર તમામ મુસાફરોની પૂછપરછ કરી રહ્યા હતા અને વધુ તપાસ માટે બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. રોમાનિયન કંપની ‘લેજેન્ડ એરલાઇન્સ’નું A340 પ્લેન ગુરુવારે “લેન્ડિંગ પછી વેત્રી એરપોર્ટ પર પાર્ક રહ્યું હતું.” તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. મોટાભાગના કોમર્શિયલ એરક્રાફ્ટ પેરિસથી 150 કિલોમીટર પૂર્વમાં આવેલા વિટ્રી એરપોર્ટ પરથી જ ઓપરેટ થાય છે. અહેવાલ મુજબ, અધિકારીએ કહ્યું કે, વિમાનમાં ઇંધણ ભરવાનું હતું અને બોર્ડમાં 303 ભારતીય નાગરિકો સંભવતઃ યુએઈમાં કામ કરે છે. ફ્રાન્સ પહોંચ્યા બાદ, મુસાફરોને પહેલા વિમાનમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ પછી તેમને બહાર કાઢીને ટર્મિનલ બિલ્ડિંગમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે સમગ્ર એરપોર્ટને ઘેરી લીધું છે.

તપાસ શરૂ કરી

મળતી માહિતી અનુસાર, ફરિયાદી કાર્યાલયે કહ્યું કે, તેને માહિતી મળી છે કે વિમાનમાં સવાર લોકો માનવ તસ્કરીનો શિકાર બની શકે છે. મુસાફરોને આખરે એરપોર્ટના મુખ્ય હોલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે તેમના રાત્રિ રોકાણ માટે પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ ફ્રેન્ચ સંગઠિત અપરાધ એજન્સીના તપાસકર્તાઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. ‘લેજેન્ડ એરલાઈન્સ’એ હજુ સુધી આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.