નર્સરીમાં ફક્ત ABCD શીખવા માટે 2.50 લાખ રૂપિયાની ફી

હૈદરાબાદઃ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફક્ત નર્સરીમાં ABCD શીખવા માટે દર મહિને રૂ. 21,000 ખર્ચ કરવો પડે? સાંભળવામાં પણ આશ્ચર્યજનક લાગે, પરંતુ હૈદરાબાદની એક ખાનગી સ્કૂલના ફી સ્ટ્રક્ચરે આખા દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ધર્મા પાર્ટી ઓફ ઇન્ડિયાની સ્થાપિકા અનુરાધા તિવારીએ નાસર સ્કૂલની ફી રસીદ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી. તે ફોટામાં નર્સરી માટે વર્ષની ટ્યુશન ફી રૂ. 2,51,000 બતાવવામાં આવી હતી, એટલે કે મહિને 21,000 રૂપિયાથી વધુ ફી.

અન્ય વર્ગોની ફી

* પ્રી-પ્રાઇમરી I અને II: રૂ. 2,42,700

* ધોરણ 1 અને 2: રૂ. 2,91,460

* ધોરણ 3 અને 4: રૂ. 3,22,350

આ પોસ્ટ બાદ સોશિયલ મિડિયામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ. કોઈએ સ્કૂલોની બેફામ ફી વૃદ્ધિ પર સવાલ ઊભા કર્યા તો કોઈએ કહ્યું કે જેને નહિ આપવી હોય, એ આવી સ્કૂલ પસંદ ન કરે. એક યુઝરે લખ્યું કે આ આખી સિસ્ટમ હવે સ્કેમ જેવી લાગે છે અને સરકારને આ અંગે નિયમ લાવવો જોઈએ. બીજાએ કહ્યું હું કે શું હવે બાળકનું શિક્ષણ પણ EMI પર લેવું પડશે? એક યુઝરે તો કહ્યું હતું કે આવી ફીમાં તો બાળક NASAમાં નોકરી મેળવી શકે. તો બીજી બાજુ કોઈએ લખ્યું કે દિલ્હી-NCRના કેટલીક સ્કૂલો ફક્ત ટ્યુશન ફી માટે રૂ. 1 લાખથી વધુ વસૂલે છે.

અસલી મુદ્દો શો છે?

આ ચર્ચા ફક્ત એક સ્કૂલ સુધી સીમિત રહી નથી. કોઇનસ્વિચ અને લેમનના સહસંસ્થાપક આશિષ સિન્ઘલે એક રિપોર્ટ શેર કરીને જણાવ્યું કે હાલ સ્કૂલોની ફી દર વર્ષે 10–30 ટકા સુધી વધે છે, જે મધ્યમ વર્ગની આવકના દરથી વધુ છે. તેમણે કહ્યું કે આજના સમયમાં સરેરાશ ભારતીય પરિવારમાંથી 19 ટકા આવક ફક્ત બાળકોના શિક્ષણ પર જ ખર્ચાય છે.

શું ખરેખર શિક્ષણ હવે એક લક્ઝરી બની ગયું છે?

મુદ્દો ફક્ત એટલો નથી કે ફી વધારે છે. મોટી ચિંતા એ છે કે શું હવે શિક્ષણ નફો કમાવાનો વ્યવસાય બની ગયો છે? નાસર સ્કૂલ તરફથી હજી સુધી આ વિવાદ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.