શ્રીનગરઃ કિશ્તવાડમાં વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 60 લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ (NDRF) અને અર્ધસૈનિક દળો બચાવ કાર્યમાં લાગેલાં છે. અત્યાર સુધીમાં 167 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
કેવી રીતે બની ઘટનાઆ ઘટના કિશ્તવાડથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલા ચિશોટી ગામના મચૈલ માતા મંદિર પાસે બની હતી. આ મંદિર આશરે 9000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને ત્યાં સુધી પહોંચવા માટે આઠ કિલોમીટર પગપાળા ચઢાણ કરવું પડે છે. દુર્ઘટના સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં તંબુઓમાં રોકાયા હતા. અચાનક વાદળ ફાટવાથી ભયંકર પૂર આવ્યું અને લોકો કંઈ સમજે તે પહેલાં જ લોકો તણાઈ ગયા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સેનાએ પણ શોધ અને બચાવ અભિયાનને ઝડપી બનાવવા માટે વધારાની ટુકડીઓ તતહેનાત કરી છે. નેશનલ રાઈફલ્સના જવાનો પણ આ અભિયાનમાં જોડાયા છે. કુલ 300 જવાનો, જેમાં 60-60 જવાનોની પાંચ ટુકડીઓ, વ્હાઇટ નાઇટ કોરની મેડિકલ ટુકડીઓ સાથે, પોલીસ, SDRF અને અન્ય નાગરિક એજન્સીઓ સાથે મળીને લોકોને બચાવવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે.
જોકે બચાવ કાર્યમાં કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર સેવાઓમાં અવરોધ આવ્યો છે, જેના કારણે ટીમો ઉધમપુરથી માર્ગ દ્વારા આવી છે. વાદળ ફાટવાને કારણે પુલ અને રસ્તાઓને પણ વ્યાપક નુકસાન થયું છે, હજુ પણ હજારો લોકો મચૈલ ગામમાં ફસાયેલા હોવાની માહિતી છે અને ગુમ થયેલા લોકોની શોધ માટે ઓપરેશન શરૂ કરવામાં આવશે. કેટલાક અહેવાલો મુજબ 200થી વધુ લોકો હજુ પણ ગુમ છે.સ્વાતંત્ર્ય દિવસના દિવસે JKNC પ્રમુખ ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે અભિનંદન છે પરંતુ દુઃખ પણ છે. મને લાગે છે કે કિશ્તવાડમાં 500થી વધુ લોકો હજી પણ કાટમાળમાં દટાયેલા છે.


