સુરત: દેશમાં તારીખ 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે શહેરની અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા “એક નિશ્ચય, મેળવીએ કેન્સર પર વિજય” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એક મહિના સુધી કેન્સર જાગૃતિ અને સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર,2025 સુધી સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિવર્સલ હોસ્પિટલમાં આ કેમ્પ યોજાશે.
ભારત કેન્સરના કેસોમાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે અને કેન્સરથી થતા મૃત્યુદરમાં બીજા ક્રમે છે. આજના સમયમાં લગભગ દરેક ચોથા પરિવારને તેનો સામનો કરવો પડે છે. સમયસર ચકાસણી આ બીમારીની સામે એક મજબૂત અને મોટો હથિયાર બને છે. જેથી આ ગંભીર બીમારી વિષે લોકોમાં હજી જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરિયાત છે.
એક નિશ્ચય, મેળવીએ કેન્સર પર વિજય અભિયાન અંતર્ગત અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટીમના ત્રણ નિષ્ણાત સર્જન ડોક્ટર મિશાલ શાહ, ડોક્ટર સોહમ પટેલ અને ડોક્ટર મૃદુલ પટેલની દેખરેખ હેઠળ આ કેમ્પ એક મહિના સુધી ચાલશે. આ કેમ્પમાં દર્દીઓને ખાસ રાહતદરે કેન્સરની સ્ક્રીનિંગ આપવામાં આવશે. સેન્ટર ખાતે અદ્યતન HIPEC, PIPAC, માઇક્રોસ્કોપિક અને લેસર સર્જરી સાથે 3D અને 4K લેપ્રોસ્કોપી સિસ્ટમ તથા ICG મોનેટરીંગ ટેક્નોલોજીથી સજ્જ છે, જે દરેક દર્દીઓ માટે ચોકસાઈ, સુરક્ષા અને વર્લ્ડ ક્લાસ સર્જીકલ પરિણામોની ખાતરી આપે છે. આ કેમ્પમાં સુરત જ નહીં પણ દક્ષિણ ગુજરાતના લોકો જોડાશે તેવી અપેક્ષા તબીબોને છે. ડૉ. સોહમ પટેલ કહે છે, માત્ર જાગૃતિ છે જે કેન્સર સામેની પ્રથમ સુરક્ષા છે. દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય માટે જવાબદારી લેવી જોઈએ.


