કોચીની ક્યુસેટ યુનિવર્સિટીમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન નાસભાગ, 4 વિદ્યાર્થીઓના મોત

કેરળમાં કોચી યુનિવર્સિટી (CUSAT)માં સંગીત કાર્યક્રમ દરમિયાન નાસભાગને કારણે ચાર વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયાના પણ સમાચાર છે. યુનિવર્સિટીમાં જ્યારે નિકિતા ગાંધીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે આ નાસભાગ મચી ગઈ હતી. આ કાર્યક્રમ કેમ્પસના ઓપન એર ઓડિટોરિયમમાં ચાલી રહ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે ઓપન એર ઓડિટોરિયમમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે વરસાદ શરૂ થયો, જેના કારણે લોકો ઓડિટોરિયમની અંદર દોડી ગયા. થોડી જ વારમાં ત્યાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. મૃતક વિદ્યાર્થીઓમાં બે છોકરા અને બે છોકરીઓનો સમાવેશ થાય છે, જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. નાસભાગમાં 15 વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા. આ ઘટનામાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના મૃતદેહને મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે.

શનિવારે સાંજે લગભગ 7 વાગ્યે યુનિવર્સિટીમાં આ અકસ્માત થયો હતો. યુનિવર્સિટીમાં આજે ટેક ફેસ્ટનો છેલ્લો દિવસ હતો. ઘટના બાદ સ્થળ પર પહોંચીને વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી બહાર કાઢી રહ્યા છે.