ભારતમાં લવાશે 26/11 હુમલાનો આરોપી તહવ્વુર રાણા

મુંબઈઃ મુંબઈમાં 26/11માં આંતકવાદી હુમલો થયો હતો, જેમાં અનેક લોકોના જીવ ગયા હતા. આ આતંકવાદી હુમલાનો મુખ્ય આરોપી તહવ્વુર રાણા અત્યારે લોસ એન્જલસ મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં બંધ છે, તેને ભારત લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાને યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેના ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. જેથી તેને હવે ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે.

અમેરિકન સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત એક નોટિસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટમાં અરજી કરતા તહવ્વુર રાણાએ મદદ માટે આજીજી કરી હતી. યુએસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રાણાએ કહ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવી શકે છે. હું ભારતમાં રહી શકીશ નહીં. હું પાકિસ્તાની મૂળનો છું. હું મુસ્લિમ છું. મને ભારતમાં વધુ હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. જોકે કોર્ટે તેની અરજીને ફગાવી દીધી છે. ભારત કેટલાંય વર્ષોથી તેને અહીં લાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે.

પાકિસ્તાનમાં જન્મેલા તહવ્વુર રાણાએ આર્મી મેડિકલ કોલેજમાંથી પોતાનો અભ્યાસ કર્યો હતો. દસ વર્ષ સુધી પાકિસ્તાની સેનામાં ડોક્ટર તરીકે કામ કર્યું. પછી તેણે નોકરી છોડી દીધી અને ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો. કોર્ટના દસ્તાવેજો પ્રમાણે વાત કરવામાં આવે તો 2006થી નવેમ્બર 2008 સુધી, તહવ્વુર રાણાએ ડેવિડ હેડલી અને પાકિસ્તાનના અન્ય લોકો સાથે મળીને મુંબઈ હુમલાઓનું કાવતરું ઘડ્યું હતું. તેણે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને હરકત-ઉલ-જિહાદ-એ-ઈસ્લામીને મદદ કરી હતી. અત્યારે તે અમેરિકાની જેલમાં બંધ છે.

ભારત લાંબા સમયથી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું હતું. જેથી હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાણાની અરજી ફગાવતો નિર્ણય કર્યો અને આ પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ભારતીય તપાસ એજન્સીઓ માટે આ એક મોટી સફળતા છે. અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પ્રક્રિયા ચોક્કસ સરળ થઈ જવાની છે.