‘કથાસેતુ’ પુસ્તક દ્વારા 21ગુજરાતી ટૂંકી વાર્તાઓ મરાઠી વાચકો સુધી પહોંચી

મરાઠી ભાષામાંથી ગુજરાતીમાં ઘણું સાહિત્ય આવ્યું છે પણ ગુજરાતી ભાષામાંથી મરાઠીમાં અનુવાદ ઓછાં થયાં છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગમાં પદ્મગંધા પ્રકાશન પુણેએ કથાસેતુ પુસ્તક પ્રકાશિત કર્યુ છે જે ગુજરાતીમાંથી મરાઠીમાં અનુવાદિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકના સંપાદક છે સંજય પંડ્યા અને અનુવાદક છે સુષમા શાળિગ્રામ.

ગુલાબદાસ બ્રોકર, વિઠ્ઠલ પંડ્યા, દિનકર જોષી, વર્ષા અડાલજા, હરીશ નાગ્રેચાથી માંડીને ઘનશ્યામ દેસાઈ, ઉત્પલ ભાયાણી અને આજે ટૂંકી વાર્તા લખતાં કિશોર પટેલ, સંદીપ ભાટિયા, બાદલ પંચાલ અને સમીરા પત્રાવાલાની વાર્તાઓ અનુવાદિત થઈ મરાઠી વાચકો સુધી પહોંચી છે. આ સંપાદનમાં કુલ 21 વાર્તાઓનો સમાવેશ થયો છે. પુસ્તક લોકાર્પણ સમારંભમાં મહારાષ્ટ્ર ટાઈમ્સના કન્સલ્ટીંગ એડિટર શ્રીકાંત બોજેવારે કહ્યું હતું કે વાચકને સમજાય એવી કૃતિઓ હોવી જોઈએ. આ પ્રકારના આદાન પ્રદાન બંને ભાષા વચ્ચે વધુ થવા જોઈએ એ વાત પર એમણે ભાર મૂક્યો હતો.

‘વસંત’સામાયિકના સંપાદક દિલીપ દેશપાંડેએ સંપાદક સંજય પંડ્યાના પિતા નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા તથા પોતાના પિતા મરાઠી ‘વસંત’ના સંપાદક બાલકૃષ્ણ દેશપાંડે સાન્તાક્રુઝમાં બાજુબાજુમાં રહેતા એ સ્મૃતિ તાજી કરી હતી. 82 વર્ષથી પ્રકાશિત થતા ‘વસંત’માં એમણે ‘કથાસેતુ’નું અવલોકન પણ છાપ્યું છે.નવલકથાકાર કાનજી પટેલે ‘કથાસેતુ’ને આવકારતાં પોતાની ટૂંકી વાર્તાના સર્જનના વિષયવસ્તુની વાત કરી હતી.નાની ઉંમરથી ભીલ પ્રજાના જીવનને નજીકથી એમણે જોયું છે એ ઉપરાંત ભટકતી વિમુક્ત જનજાતિ પર આજે પણ જે અન્યાય થઈ રહ્યો છે એની આસપાસ જ એમની ટૂંકી વાર્તાઓ સર્જાય છે એ એમણે ભારપૂર્વક જણાવ્યું હતું .

કવિ વાર્તાકાર સંદીપ ભાટિયાએ ‘કથાસેતુ’માં સમાવેશ થયેલા વાર્તાકારો વતી વક્તવ્ય આપ્યું હતું.અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદારનું સ્વાગત વક્તવ્ય એમની મસ્ત મસ્ત શૈલીનું! તો એવી જ મઝા વાચિકમમાં કરાવી અભિજિત ચિત્રેએ.કવિ મુકેશ જોષી અને ડૉ.મોનિકા ઠક્કરે પ્રવાહી શૈલીમાં ગુજરાતી અને મરાઠીમાં સંચાલન કર્યું હતું.અનુવાદક સુષમા શાળિગ્રામ તથા પ્રકાશક અભિષેક જાખાડેએ પણ સંપાદન વિશે પોતાની વાત મૂકી હતી.

 

સંપાદન કરનાર સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે સંપાદન ફક્ત એક વર્ષની પ્રક્રિયા નથી હોતી પણ એના માટે દાયકાઓ સુધી વાંચવું પડતું હોય છે. એક સારા અનુવાદનું પુસ્તક એક ભાષાની સંસ્કૃતિને, એના વાતાવરણને, એની પરંપરાને, એ સમયના વાર્તાકારના ઉન્મેષને અને વાર્તાકારના હૃદયના ધબકારાને બીજી ભાષાના વાચકો સુધી લઈ જાય છે. ઉત્તમ અનુવાદ માટે એમણે સુષમા શાળિગ્રામનો તથા પ્રકાશન માટે અકાદમી તથા અભિષેકજીનો આભાર માન્યો હતો.

કલાગુર્જરી અક્ષર અર્ચના સંસ્થા લોકાર્પણના કાર્યક્રમ માટે સહયોગી સંસ્થા હતી. કલાગુર્જરીના પ્રમુખ હેમાંગ જાંગલા તથા પૂર્વ પ્રમુખ અમૃત માલદેના સહયોગની કાર્યક્રમ સફળ રહ્યો.સંસ્થાનાં ઉપપ્રમુખ ગોપાલભાઈ ત્રિવેદી તથા વિનય પાઠક, કવિ કમલ વોરા, વાર્તાકાર ત્રિપુટી કિશોર પટેલ, સતીષ વ્યાસ , હેમંત કારિયા તથા કવયિત્રી પ્રતિમા પંડ્યા, લેખિનીનાં નીતા કઢી તથા પંડ્યા પરિવાર વતી રાજેશ પંડ્યા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતાં.