રાજ્યની વધુ 15 હોસ્પિટલ્સ પ્રધાન મંત્રી યોજનામાંથી સસ્પેન્ડ

અમદાવાદઃ ખ્યાતિ કાંડ પછી PMJAY યોજનાનો ખોટી રીતે લાભ લેતી હોસ્પિટલો સામે સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવામાં નિયમોની ઐસીતૈસી કરતી 15થી વધારે હોસ્પિટલને સસ્પેન્ડ કરરવામાં આવી છે. ખ્યાતિ કાંડ બાદ અત્યાર સુધીમાં 22 જેટલી હોસ્પિટલોને મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

અમદાવાદની શિફા હોસ્પિટલની મા યોજનામાંથી પિડિયાટ્રિક મેડિકલ મેનેજમેન્ટ એન્ડ નિયોનેટલ કેર સેવા રદ કરવામાં આવી છે. એન્ટી ફ્રોડ યુનિટની તપાસમાં કેટલીક બેદરકારી સામે આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રસૂતિ સારવારનાં નાણાંમાં ચેડાં, ક્લેઇમમાં છેડછાડ, ICUમાં જરૂરી સુવિધા કે સાધન સામગ્રીનો અભાવ સહિત વિવિધ ખામીને કારણે હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આગામી દિવસોમાં એન્ટ્રી ફ્રોડ યુનિટની તપાસમાં વધુ કેટલીક હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં નવ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મા યોજનાના અધિકારી ડૉ. શૈલેશ આનંદની પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ આ અધિકારીને હજુ સુધી સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સારવારમાં બેદરકારી, પીએમજેવાયમાં ગેરરીતિ, સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજરનું પાલન નહીં કરવું જેવા વિવિધ કારણો સામે આવતાં હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આરોગ્ય વિભાગ  દ્વારા અત્યારસુધી કુલ 28 જેટલી  હોસ્પિટલને પીએમજેએવાયમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત સારવારમાં બેદરકારી સહિતના કારણે કેટલાક ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયાની વિગતો સામે આવી છે.