રાજ્યમાં ભારે વરસાદને કારણે 14નાં મોતઃ રેડ એલર્ટની જાહેરાત

અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત થયાં છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયા છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાત મે સુધી રાજ્યમાં ભારે વરસાદ અને પવન સાથે ઝાપટાં યથાવત રહેશે.  હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે આગામી કેટલાય દિવસો સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાશે અને વરસાદ પડે એવી શક્યતા છે.

રાજ્ય ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર રાજ્યના કુલ 253 તાલુકામાંથી 168 તાલુકામાં સોમવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. ખેડા, ગાંધીનગર, મહેસાણા અને વડોદરા જિલ્લામાં 25થી મિમી વરસાદ થયો હતો.

SEOCના જણાવ્યાનુસાર અમદાવાદ, આનંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને વડોદરામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 13 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે રવિવારે અમદાવાદના વિરમગામ વિસ્તારમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. તીવ્ર પવનને કારણે ઘણા જિલ્લાઓમાં વૃક્ષો, હોર્ડિંગ્સ અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા તો કેટલાંક મકાનો પણ ધરાશાયી થયાં હતા. આ ઘટનાઓમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાં તીવ્ર પવનને કારણે લાગેલી આગને કારણે અનેક ઝૂંપડપટ્ટી ખાખ થઈ ગઈ હતી. IMD દ્વારા આગામી કેટલાક દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વીજળી તથા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ દિવસોમાં બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને આનંદ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વરસાદને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.