મુંબઈ: ‘‘કુમાર’’ સામયિકની શતાબ્દી નિમિત્તે એક ખાસ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદ, (અમદાવાદ) અને કાંદિવલી, મુંબઈની સંસ્થા સંવિત્તિના સંયુક્ત આયોજનમાં યોજાયો. આ કાર્યક્રમ શનિવાર તા.૨૯ મી જૂનની સાંજે KES (કાંદિવલી એજયુકેશન સોસાયટી) ઇન્ટરનેશનલ સ્કૂલના હોલમાં ઉજવાયો. જેમાં ‘‘કુમાર’’ સામયિકનો ઇતિહાસ, તેની વિષય વિવિધતા, વાંચન સામગ્રીની ઉચ્ચસ્તરતા આદિ વિષે વિસ્તારથી ચર્ચા થઈ હતી. આ સાથે તેની મુદ્રણકલા અને તેના સૌદર્ય વિષે પણ રસપ્રદ વાતો થઈ. એક સામયિકનું શતાબ્દી વર્ષ ઉજવવું એ ત્યારે જ શક્ય બનતું હોય છે જયારે એ સામયિકે વાચકની સંવેદના, જ્ઞાન-જગતના સીમાડા વિસ્તાર્યા હોય.
- કેટલીય પેઢીઓનું ઘડતર કરનાર ‘કુમાર’
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્વાધ્યાયપીઠ મંત્રી અને ગુજરાતી સાહિત્યના અધ્યાપિકા સેજલ શાહે ‘‘કુમાર’’ સામયિકના શતાબ્દી વર્ષની ઉજવણીને માત્ર રોમાંચની પળ ઉપરાંત ફરજ અને આનંદની બાબત કહી હતી. તેમણે સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ મોકલાવેલો સંદેશ વાંચી સંભળાવ્યો હતો. જેમાં કહેવાયું હતું કે ‘ ‘‘કુમાર’’ની જન્મશતાબ્દી ઉજવવી એ ગુજરાતના સાંસ્કૃતિક જગતની ફરજમાં આવતી વાત છે. ગુજરાતી સાહિત્ય પરિષદ એમાંથી બાકાત ન રહી શકે, ન રહેવું જોઈએ. આપણી સાહિત્યિક યાત્રાનો નમણો મુકામ એટલે ‘‘કુમાર’’નું પ્રગટ થવું અને હજી સુધી પ્રગટ થતાં રહેવું. રવિશંકર રાવલથી પ્રફુલ્લ રાવલ સુધીની આ ‘કુમાર’યાત્રાએ ગુજરાતની કેટકેટલી પેઢીઓને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે, એનો હિસાબ માંડીએ તો ખ્યાલ આવે કે એક સામયિક કેટલો મોટો પ્રભાવ પાથરી શકે ‘‘કુમાર’’ એ ગઈકાલે પણ પ્રસ્તુત હતું અને આજે પણ પ્રસ્તુત છે.’
- બચુભાઇની કાર્યશૈલીની અજોડ વિશેષતા
કાર્યક્રમના પ્રથમ વક્તા તરીકે ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક, સંપાદક, અનુવાદક, વિવેચક રમણ સોનીએ ‘સ્થપતિ બચુભાઈ રાવત’ આ વિષય પર ત્રણ પગલામાં વાત પ્રસ્તુત કરી. રમણ સોનીએ કહ્યું કે જ્યારે કોઈ સામયિકને સો વર્ષ પૂર્ણ થાય ત્યારે આપણે તેનો મહિમા અને મૂલ્યાંકન બંને કરવું જોઈએ. એ સામયિક શું છાપ છોડીને ગયું છે તે તપાસ થવી જોઈએ. સંપાદક પ્રતિભાની વાત કરતા તેમને મંજુબહેન ઝવેરી, હાજી મહમ્મદ, બચુભાઈને યાદ કર્યા.
કુમારની અનેકવિધ લાક્ષણિકતાની રસપ્રદ પ્રસ્તુતિ
બીજા વક્તા હસિત મહેતાએ ‘‘કુમાર’’નું સાંકળિયુંની વાત કરતા ઉજાગર કર્યું કે બચુભાઈ રાવત આરંભથી જ રવિશંકર રાવળ સાથે જોડાયેલા હતા- રવિશંકર રાવળ, બચુભાઈ રાવત અને ધીરુભાઈ પરીખ આ ત્રણ તબક્કાને ધ્યાનમાં રાખી આપણે જોવું જોઈએ. તેમણે એ સમયે ‘‘કુમાર’’ની આર્થિક બાજુના કેટલાંક પ્રશ્નો, પડકારો, તેના પ્રવાહોની વાત કરી. રવિશંકર રાવળે ‘આવતીકાલના નાગરિકોનું માસિક અને તેમાં બચુભાઈ રાવતે એક શબ્દ ઉમેર્યો ‘આવતીકાલના નાગરિકોનું અગ્રણી માસિક’. ત્યારબાદ ધીરુભાઈ પરીખે ‘પૂરા પરિવારનું સુરુચિપૂર્ણ માસિક’ એમ કહ્યું. આપણું પ્રાચીન ગૌરવ, કલાની રસભરી કૃતિઓ અને વિનોદની વાનગીઓ જેવું બીજું ઘણું ‘‘કુમાર’’માં હતું અને સંપાદકે નક્કી કર્યું હતું કે આ શોધવાનું, સંઘરવાનું અને માંગી આણવાનું કાર્ય કરીને ‘‘કુમાર’’ને ચલાવવું. હસિત મહેતાએ ‘કુમાર’ની અનેક લાક્ષણિક તાસીરને PPTમાં ફોટા રૂપે મૂકીને વાતાવરણને જીવંત બનાવ્યું, તેમણે કેટલાંક પત્રો, લેખ સારાંશ દ્વારા વિવિધતા અને ‘‘કુમાર’’ના પરિવેશનો પરિચય કરાવ્યો.
બચુભાઇ એટલે નેપથ્યમાં રહીને કામ કરનાર સર્જક
ત્રીજા વકતા અને કુમારના વર્તમાન તંત્રી પ્રફુલ્લભાઈ રાવલે ‘‘કુમાર’’ના ઇતિહાસની અનેક રસિક બાબતો ઉજાગર કરી આપી. બચુભાઈના ઘરનું નામ ‘નેપથ્ય’ અને પોતે પણ આજીવન નેપથ્યમાં રહીને કામ કર્યું. ‘‘કુમાર’’માં આવતી પત્રચર્ચાના કેટલાક રસિક પ્રસંગો કહ્યા.
કુમાર માટે કલાતીર્થનું અનોખું કાર્ય
કલાતીર્થ ટ્રસ્ટના રમણીકભાઈ ઝાપડિયાએ ‘કુમાર’ની શતાબ્દી નિમિત્તે “‘કુમાર’ એકસદીની કલાયાત્રા”ના પાંચ ગ્રંથોનું પ્રકાશન કરવાનું નિર્ધાર્યું છે, જેમાંથી ચાર ગ્રંથો તેમણે આ પ્રસંગ નિમિત્તે વિશેષરૂપે શ્રમ લઈને મુંબઈ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જેથી ‘કુમાર’ના ભાવકો એ ગ્રંથને ત્યાં જોઈ શકે. અનિવાર્ય કામ આવી જતા તેઓ આ પ્રસંગે હાજર ન રહી શક્યા પણ તેમનો સંદેશ વાંચીને સંભળાવવામાં આવ્યો હતો, જેમાં કહેવાયું હતું કે .’કુમાર’નું મુદ્રણ દરેક લોકહૃદયમાં અનેરૂ સ્થાન પામ્યું છે. આવું પ્રભાવશાળી સામયિક આપણી હયાતીમાં 100 વર્ષ પૂરા કરતું હોય અને એનું ગૌરવ એક ગુજરાતી પ્રજા તરીકે આપણે ન કરીએ તો કેમ ચાલે.? ગુજરાતના સુપ્રસિદ્ધ કલાવિવેચક સંશોધક અને સાહિત્ય સર્જક નિસર્ગ આહીર આ ગ્રંથોના સંપાદક છે.
ડો. દિનકર જોષી–કીર્તિ શાહના મનોભાવ
ત્યારબાદ ‘કુમાર’ અને હું’ ને કેન્દ્રમાં રાખીને દિનકરભાઈએ પોતાના સ્મરણો વાગોળ્યા હતા, દિનકરભાઈનો આ સામયિક સાથેનો સંબધ વાંચનને કારણે રહ્યો. એમનો કુમાર સાથે પ્રથમ પરિચય ૧૯૫૪માં ભાવનગરની આલ્ફ્રેડ સ્કુલની લાયબ્રેરીમાં થયો. દિનકરભાઈ ભાનુભાઈ રાવળને મળેલા જે રવિશંકર રાવળના ભત્રીજા હતા, અને એમને રવિશંકર રાવળના ચિત્રોનું આલ્બમ જોવાનો રોમાંચ દિનકરભાઇને આપેલો. ત્યારબાદ સંવિત્તિના સ્થાપક સભ્ય કીર્તિ શાહે પોતાના અંગત પ્રસંગો સહુ સાથે વહેંચ્યા હતા, જેમાં તે સમયે ‘કુમાર’નો વાચક ગુજરાતી ભાષાનો જાણકાર હોય જ એવો વિશેષ આદર ‘કુમાર’ના વાચકને મળતો, જે તેમને મળ્યો હતો તેનું રસપ્રદ વર્ણન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન હિન્દી સાહિત્યના અધ્યાપક અને સંવિત્તિના સભ્ય હાર્દિક ભટ્ટે કર્યુ હતું.
હાજર રહેલા અગ્રણી લેખકો-સાહિત્યકારો
વરસાદની ઋતુમાં મુંબઈના સાહિત્યપ્રેમીઓની હાજરીએ આયોજકોને વધુને વધુ કાર્યક્રમ કરવા બળ પૂરું પાડ્યું. કાર્યક્રમ માટે હાજર રહેલા કેટલાક જાણીતા સાહિત્ય પ્રેમીઓમાં પ્રબોધ પરીખ,ઉદયન ઠક્કર, રમેશ ઓઝા (ભારતીય વિદ્યાભવન), હિરેન મહેતા (ચિત્રલેખા), દીપક સોલિયા, સતીષચંદ્ર જોશી, સતીષ વ્યાસ(મુંબઈ), તરુ કજરીયા,પ્રવીણ પંડ્યા(મુંબઈ), મીતા દિક્ષીત, અમૃત ગંગર, સંધ્યા શાહ, પ્રફુલ્લ પંડ્યા, અશ્વિન મહેતા, સતીશ વ્યાસ, હેમંત ઠક્કર, હરીશ દાસાણી, સંજય પંડ્યા, વગેરે હતા.