કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટથી 10નાં મોત, અનેક ઘાયલ

હૈદરાબાદઃ તેલંગાણામાં સંગારેડ્ડી જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. પાટન ચેરુ મંડલ સ્થિત સિગાચી કેમિકલ્સ ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં કમસે કમ 10 લોકોનાં મોત થયાં હતા, જ્યારે 20થી વધુ લોકો ગંભીર ઘાયલ થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્ફોટ એ સમયે થયો જ્યારે ફેક્ટરીમાં મજૂરો કામ કરી રહ્યા હતા. ફેક્ટરીના રિએક્ટરમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેને પગલે યુનિટમાં આગ લાગી હતી. આ આગ ફેક્ટરીના મોટા ભાગને ચપેટમાં લીધો હતો. આ બ્લાસ્ટ પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી

આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જે રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે.

આગને કાબૂમાં લેવાનો પ્રયાસ

સ્થાનિક મિડિયાના અહેવાલ મુજબ આ ઘટનામાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માતની માહિતી મળતાં જ બે ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને વિગતવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.

આ ઘટનાની માહિતી મળતાં સ્થાનિક લોકો અને ફેક્ટરીના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે જમા થયા હતા. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી. સ્થાનિક લોકોમાં આ દુર્ઘટનાને લઈને ભારે આક્રોશ પણ હતો.