નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહેએ જણાવ્યું હતું કે ભારતે ‘ઓપરેશન સિંદૂર’ પોતાની શરતો પર રોક્યું હતું અને જરૂર પડે તો દેશ લાંબા યુદ્ધ માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે અમે આ ઓપરેશન એટલા માટે બંધ કર્યું નહોતું કે અમારી ક્ષમતા ઘટી ગઈ હતી, પરંતુ અમે તેને અમારી ઇચ્છા અને શરતો પર રોક્યું હતું. જરૂર પડે તો અમે લાંબી લડાઈ માટે પણ તૈયાર હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે સમયે ભારતને પરમાણુ હુમલાની ધમકીઓ પણ આપવામાં આવી હતી, પરંતુ ભારત તે ધમકીઓથી ડગ્યું નહીં. દેશે આવી ધમકીઓને સંપૂર્ણપણે નકારી કાઢી અને જે રાષ્ટ્રહિતમાં જરૂરી હતું તે જ કર્યું હતું. આ જ નવા ભારતની ઓળખ છે, જે વિશ્વને સંદેશ આપે છે કે આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપનારાઓ વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે. ભારતે અગાઉ સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને હવે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકવાદ વિરુદ્ધ પોતાની મજબૂત સ્થિતિ સાબિત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ ઓપરેશન માત્ર 72 કલાકમાં પૂર્ણ થયું હતું, પરંતુ તેની પાછળ લાંબી તૈયારી હતી. જરૂર પડે તો ભારત લાંબી લડાઈ માટે પણ તૈયાર હતું.આતંકવાદનાં ત્રણ પાસાં અને તેની મૂળભૂત જડ
તેમણે આતંકવાદને માનવજાત માટે એક કાળો ડાઘ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આતંકવાદ માત્ર એક વિકૃત માનસિકતા છે. આ માત્ર સુરક્ષાનો મુદ્દો નથી, પરંતુ માનવીય મૂલ્યોની રક્ષા માટેની લડાઈ છે. આતંકવાદને ઘણી વાર ધર્મ અથવા હિંસક વિચારધારાને નામે યોગ્ય ઠેરવવાનો પ્રયાસ થાય છે, જે હકીકતમાં આતંકીઓને આવરણ પૂરું પાડે છે.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું આતંકવાદ માત્ર રાષ્ટ્રવિરોધી કૃત્ય નથી, પરંતુ તેનાં ત્રણ પાસાં છે – ઓપરેશનલ (સંચાલન સંબંધિત), આઇડિયોલોજિકલ (વૈચારિક) અને પોલિટિકલ (રાજકીય). આતંકવાદની સાચી શક્તિ તેની વૈચારિક અને રાજકીય જડોમાં છે. તેમણે તેને રાવણની નાભિ સાથે સરખાવીને સમજાવ્યું હતું કે જ્યાં સુધી આ જડોને સમાપ્ત નહીં કરવામાં આવે, ત્યાં સુધી આતંકવાદ સંપૂર્ણપણે ખતમ નહીં થાય. તેથી આતંકવાદ સામે લડત માત્ર સૈનિક સ્તરે નહીં, પરંતુ તમામ ત્રણ સ્તરે લડવી જરૂરી છે.




