
આઝાદી બાદ ઘણાં વર્ષો સુધી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હતું, જ્યાં વનોમાં વાઘ અને સિંહ બંને જોવા મળતા હતા,
પણ કાળક્રમે વાઘ લુપ્ત થયા અને સિંહ ગુજરાતની ઓળખ બની. દરમ્યાનમાં મહિસાગર જિલ્લામાં વાઘ દેખાતા ફરી આશા જીવંત બની પણ એ વાઘના આકસ્મિક મૃત્યુથી એ શક્ય બન્યું નહી.
દાહોદ જિલ્લાના રતનમહાલ અભ્યારણ્યમાં વાઘ દેખાયો હોવાના સમાચાર લગભગ 1 વર્ષ પહેલાં મળ્યા અને ફરી આશા જીવંત બની.
હવે લગભગ 1 વર્ષથી આ જંગલોમાં વાઘ સતત વિચરણ કરી રહ્યો છે ત્યારે વન વિભાગ દ્વારા હેબીટેટ મેનેજમેન્ટ, પ્રેયબેઝ વધારવા જેવા પ્રયત્નો સતત થઈ રહ્યા છે. સ્થાનિક વનકર્મીઓ પણ સતત પેટ્રોલિંગ કરી વાઘની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. સ્થાનિક લોકોનો વનકર્મીઓને સહયોગ મળી રહ્યો છે. સરકાર દ્વારા પણ એક માદા વાઘ આ વિસ્તારમાં લાવવા અને વાઘની વસ્તી વધે તે માટેના પ્રયત્ન થઈ રહ્યા છે.
હાલ લગભગ 1 વર્ષથી આ વાઘ ગુજરાતમાં વસવાટ કરી રહ્યો હોવાથી દેશમાં ગુજરાત એવું એક માત્ર રાજ્ય છે જ્યાંના જંગલમાં વાઘ અને સિંહ બંને રહે છે.

